રાજકોટના ગોંડલ તાલુકાના મસીતળા ગામમાં એક કલાકમાં વરસ્યો ધોધમાર છ ઈંચ વરસાદ. જેના કારણે ગામમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. ધોધમાર વરસાદના પગલે ખોડિયાર ડેમ છલોછલ જોવા મળ્યો છે. ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી છોડાતા મસીતાળાથી ભંડારિયા અને ખંભાલીડાને જોડતા મુખ્ય માર્ગને બંધ કરી દેવાયો છે.
રાજકોટ જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના જળાશયમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ છે. રાજકોટનો ભાદર -1 ડેમ પૂર્ણતઃ સપાટીની નજીક પહોંચ્યો છે. ભાદર-1 ડેમની જળસપાટી 30.80 ફૂટ પર પહોંચી ગઈ છે. ભાદર ડેમની કુલ સપાટી 34 ફૂટ છે. એટલે કે ડેમ સંપૂર્ણ ભરાવવામાં માત્ર ત્રણ ફૂટ બાકી છે. હાલ ભાદર-1 ડેમમાં 4 હજાર 792 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ભાદર-1 ડેમમાંથી જેતપુર, વીરપુર, ગોંડલ અને રાજકોટના કેટલાક વિસ્તારને પીવાનું પાણી પૂરૂ પાડે છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં સિંચાઈનું પાણી પણ ભાદર-1 ડેમ પૂરૂ પાડે છે.
રાજ્યમાં 70 ટકા વરસાદ
ગુજરાત પર સતત વરસી રહી છે મેઘરાજાની મહેર. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો વરસી ચૂક્યો છે 70 ટકા વરસાદ. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 81 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. જ્યારે કચ્છમાં 70 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. તો દક્ષિણ ગુજરાતમાં 71 ટકા અને મધ્ય ગુજરાતમાં 58 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 55 ટકા વરસ્યો છે વરસાદ.
મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 40 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 37 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં 65 ડેમ છે હાઈએલર્ટ પર છે. જ્યારે 5 ડેમ એલર્ટ પર છે. નજર કરીએ ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 70 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 25 ટકા પાણીનો જથ્થો છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 28 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 89 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.