રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાંચ ફરી એક વખત વિવાદમાં આવી છે. દારુના ટ્રકનું પાયલોટિંગ રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા કરવામાં આવ્યું હોવાની આશંકા છે.  PSI સહિત ચાર પોલીસકર્મીઓ દારુની ટ્રકનું પાયલોટિંગ કરતા હોવાની આશંકાથી  રાજકોટ ક્રાઈમબ્રાંચના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે.  ઈંચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદે તપાસના આદેશ આપ્યા છે.  DCP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલને આ કેસમાં તપાસ સોંપાઈ છે.  દારુની રેડમાં ગયેલી ટીમે સ્થાનિક પોલીસને જાણ કરી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.  સુરેન્દ્રનગર સાયલા નજીક દારૂ ભરેલ ટ્રક અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  દારૂ ભરેલ ટ્રક સાથે અપહરણ કરવા અંગે ફરિયાદ નોંધાઇ છે.  ક્રાઇમ બ્રાન્ચના મહિલા PSI ભાવના કડછાની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે. 





રાજકોટ પોલીસના કટકીકાંડનો વિવાદ હજુ તો માંડ શાંત પડ્યું છે. ત્યાં તો રાજકોટ ક્રાઈમ બ્રાંચને સંડોવતા દારૂકાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે.  રાજકોટ ક્રાઈમ બ્રાંચના મહિલા PSI ભાવના કડછા સહિત 5 પોલીસકર્મી દારૂની ગોલમાલ કરતાં પકડાયા છે.  ગઈકાલ રાતથી જ પાંચેય પોલીસકર્મીઓને સાયલા પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવાયા છે.  વાત એમ છે કે, ગઈકાલે રાત્રે સાયલા નજીક દારૂ ભરેલો ટ્રક પકડાયો હતો.  આટલી જંગી માત્રામાં દારૂ પકડાયા બાદ તેને છોડી દેવા માટે સ્થળ પર હાજર રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે દબાણ શરૂ કરી દીધું. જેને લઈ પર્દાફાશ થયો સાયલાથી દારૂ ભરેલો ટ્રક રાજકોટ લાવવામાં આવી રહ્યો હતો. અને ટ્રકનું પાયલોટિંગ ખુદ રાજકોટ ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મી કરી રહ્યા હતા.  


પોલીસ વાનમાં જ દારૂ ભરેલા ટ્રક માટે પાયલોટિંગ કરવામાં આવી રહ્યું હતું.  જેમ રાજકીય મહાનુભાવોને પોલીસ પાયલોટિંગ મળતું હોય. જો કે, રસ્તામાં દારૂ ભરેલા ટ્રકને પોલીસે અટકાવતા રાજકોટ ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે.  મામલો ડી. જી. વિજીલન્સ સુધી પહોંચતા તાત્કાલિક વિજિલન્સનો કાફલો ત્રાટક્યો હતો. ચર્ચા એવી પણ છે કે, ડી. જી. વિજિલન્સ મારફત જ દારૂ ભરેલો ટ્રક પકડવામાં આવ્યો હતો. 


દારુના ટ્રકનું પાયલોટિંગ કરતાં રાજકોટ સિટી પોલીસ ફરી વિવાદમાં આવી છે. અગાઉ રાજકોટ કમિશનર અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ, પીએસઆઇ સહિતના કર્મચારીઓ  પૈસાની ઉઘરાણી કરતા હતા એ પ્રકારના આક્ષેપો ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા રાજકોટ પોલીસ  કમિશનર કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.