Jayarajsinh Jadeja news: ગોંડલમાં તાજેતરમાં બનેલી અલગ અલગ ઘટનાઓ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આખરે મૌન તોડ્યું છે. ઘણા સમય પછી ગોંડલના લોકોને સંબોધતા તેમણે દરેક સમાજનો આભાર માન્યો હતો અને ગોંડલને બદનામ કરનારા તત્વોને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. આ સાથે જ ગણેશ જાડેજાએ પણ ગોંડલને મિરઝાપુર કહેનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

Continues below advertisement

ગોંડલના લોકોને સંબોધતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી. તેમણે લોકોને આવી વાતોમાં નહીં પડવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે ગોંડલમાં જે શાંતિ અને સલામતી છે તે સૌના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જ્યારે પણ ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન થશે ત્યારે આપણે બધા સાથે મળીને તેનો જવાબ આપીશું.

જયરાજસિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે અમુક લોકો ગોંડલિયાઓને બદનામ કરવા માટે ટેવાયેલા છે. તેમણે ગોંડલમાં થયેલા વિકાસની વાત કરતા જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં સૌથી વધારે ધંધા રોજગારનો વિકાસ ગોંડલમાં થયો છે, જે અમુક લોકો જોઈ શકતા નથી. જો કે, તેમણે કોઈનું નામ લીધા વિના જ પોતાના વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં માત્ર પાટીદાર કે ક્ષત્રિય સમાજના જ નહીં પરંતુ તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે ગોંડલની એકતાનું પ્રતીક હતું. અંતમાં તેમણે કહ્યું કે મારે વિરોધીઓને કંઈ વધારે જવાબ આપવાનો રહેતો નથી.

Continues below advertisement

તો બીજી તરફ, એક બાદ એક આક્ષેપો બાદ ગણેશ જાડેજાએ પણ મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4-5 દિવસથી ગોંડલને સતત બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલને જે લોકો મિરઝાપુર ગણે છે તેમને ગોંડલના યુવાન તરીકે તેઓ જવાબ આપવા માંગે છે. ગણેશ જાડેજાએ ગર્વથી કહ્યું કે ગોંડલ ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે અને અહીંયા કોઈ એક સમાજના વાળા નથી, પરંતુ તમામ સમાજના લોકો સાથે મળીને રહે છે. તેમણે આક્ષેપ કર્યો કે 200 કે 500 કિલોમીટર દૂર બેઠેલા અમુક ટપોરીઓ ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજને સામસામે મૂકી દેવા માંગે છે, પરંતુ તેમની આ કોશિશ ક્યારેય સફળ થશે નહીં કારણ કે ગોંડલમાં તમામ સમાજના લોકો પ્રેમ અને ભાઈચારા સાથે રહે છે.

આમ, ગોંડલમાં તાજેતરની ઘટનાઓ બાદ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા બંનેએ મૌન તોડીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને ગોંડલની એકતા અને વિકાસની વાત કરી હતી. તેમણે ગોંડલને બદનામ કરનારા તત્વોને પણ આકરો સંદેશ આપ્યો હતો.