રાજકોટ તાલુકામાં રામનગર ગામે સરપંચ પદે જયેશભાઇ બોઘરા વિજેતા જાહેર થયા છે. બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને સરપંચ પદના ઉમેદવાર જયેશભાઈ બોઘરા 16 મતે જીત્યા સરપંચની ચૂંટણી. ગ્રામ પંચાયતોના સરપંચો માટે રવિવારે યોજાયેલ ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા બેડી માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ ઈતિહાસ સર્જયો છે.
યાર્ડના ચેરમેન બન્યા પછી વીસ જ દિવસમાં ગામના સરપંચ બન્યા હોય તેવી આ પ્રથમ ઘટના ગણાય છે. મવડી નજીક આવેલ રામનગરમાં જયેશ બોઘરા 16 મતે સરપંચ તરીકે ચૂંટાયા છે. ગામની વસ્તી 450 આસપાસની છે. ગયા પાંચ વર્ષ તેમના પત્નિ પાયલબેન સરપંચ પદે હતા. રામનગરની નજીકમાં આવેલ કણકોટ ગામમાં જયેશ બોઘરાના બહેન મનિષાબેન હસમુખભાઈ વેકરીયા સરપંચ પદે ચૂંટાઈ આવ્યા છે. બન્ને નવા સરપંચ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
રાજ્યની 8686 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરીનો દિવસ
રાજ્યની 8686 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરીનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરી શરુ છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારની હાર જીતનું પરીણામ સામે આવી રહ્યું છે. 33 જિલ્લાનાં વિવિધ ગામોમાં સરપંચપદ માટે વિજેતાઓની તબક્કાવાર જાહેરાત થવા માંડી છે. ગુજરાતમાં ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે.
કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે. 105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું.