Jetpur: રાજ્યમાં રખડતા ઢોરે અત્યાર સુધીમાં કેટલાય લોકોના ભોગ લીધા છે. રખડતા ઢોરના મુદ્દે કોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રોજબરોજ રાજ્યમાં ક્યાંકને ક્યાંક રખડતા ઢોરના આતંકના સમાચાર સામે આવી રહ્યા છે.


રાજકોટ જિલ્લાના જેતપુરના ટાફૂડી પરા વિસ્તારમાં બે આખલાઓનું યુદ્ધ જામ્યું હતું. આ સમયે આખલા લડતા લડતા ત્યાંથી પસાર થતી સ્કૂલ રિક્ષા સાથે અથડાયા હતા. જેથી બાળકોથી ભરેલી રિક્ષા પલટી મારી ગઈ હતી.  બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રિક્ષામાં 15 બાળકો સવાર હતા. આ પહેલા પણ જેતપુર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો.


વડોદરામાં બુધવારે બે વિદ્યાર્થીની ચઢી ઢોરની અડફેટે


વડોદરા શહેરના વિકાસના મોટા મોટા બણગા ફૂંકતા  કોર્પોરેશનના શાસકો રખડતા ઢોરના ત્રાસને પણ દૂર કરી શકતા નથી અને તેનો ભોગ શહેરીજનો છાશવારે બની રહ્યા છે. બુધવારે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પહેલા વર્ષમાં ભણતી બે  વિદ્યાર્થિનીઓ રખડતા ઢોરની અડફેટે ચઢી ગઈ હતી.મળતી વિગતો પ્રમાણે આજવા રોડ પર ડ્રીમ ગાર્ડન સોસાયટીમાં રહેતી તુલસી કમલેશ યાદવ(ઉં.વ.18) અને તેની સાથે જ એફવાયમાં અભ્યાસ રકતા અમીષા કિશન મેવાડા(ઉં.વ.૧18 ન્યૂ વીઆઈપી રોડ પરથી એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે રખડતા ઢોર વચ્ચે આવતા આ બંને યુવતીઓ પડી ગઈ હતી અને તેમને ઈજા થઈ હતી.તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.




આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં અને  ઈજાગ્રસ્ત યુવતીઓના પરિવારજનોમાં પણ ભારે રોષ જવા મળ્યો હતો.રખડતા ઢોરના કારણે શહેરીજનો ઈજાગ્રસ્ત થવાની આ પહેલી ઘટના નથી.જોકે કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓ અને શાસકોના પેટનુ પાણી આ ઘટના બાદ પણ હલવાનુ નથી તે નક્કી છે.


ભાવનગરના ભોજપરા ગામના પુરુષનું ઢોર અડફેટે મોત


ભાવનગર જિલ્લાના ભોજપરા ગામે રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા કાંતિભાઈ પરસોત્તમભાઈ ખેરાળા ઉંમર વર્ષ 45 ગત તા.1 જાન્યુઆરીના દિવસે સાંજના સમયે મજૂરી કામ કરીને પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન ગામના પાદરમાં રખડતા ઢોર ખૂટ્યા ઝઘડી રહ્યા હોય કાંતિભાઈ ને રખડતા ઢોરે ઢીકે ચડાવતા ગંભીર ઈજા થઈ હતી, કાંતિભાઈને ઇજાગ્રસ્ત હાલે પ્રથમ પ્રાઈવેટ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર્ ટી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.