રાજકોટ : જેતપુરમાં સોની વેપારીની આંખમાં મરચું છાંટી 30 લાખની લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. કોઠારીયા સોલ્વેન્ટમાંથી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. લૂંટારુઓ ભાગ બટાઇ કરે તે પહેલા જ પોલીસે ઝડપી લીધા હતા.

આ અંગે આજે રાજકોટ પોલીસ વડા બલરામ મિનાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાજકોટ એલ.સી.બીને મોટી સફળતા મળી છે. કોઠારીયા સોલ્વન્ટમાંથી ચાર આરોપી સાકીર ખેડારા, સમીર ઉર્ફે ભડાકો કુરેશી, તુફેલ ઉર્ફે બાબો ખેડારા અને અકબર રીગડીયાની ધરપકડ કરવામાં આવી છે.

ચારેય આરોપીઓ લૂંટના સમાનની ભાગ બટાઈ કરે તે પહેલા પોલીસે ઝડપી લીધા હતા. સોનાના દાગીના 28.40 લાખ, રોકડ 1.43 લાખ, 5 મોબાઈલ સહિત મળી કુલ 30.10 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. 1 વર્ષ પહેલાં આરોપીઓએ લૂંટનો પ્લાન ઘડયો હતો. સીસીટીવીમાં કેદ થાય તેની જાણ હોવાથી નંબર પ્લેટ બેવડી વાળી દીધી હતી.