BJP dissatisfaction Jetpur elections: જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાને મેન્ડેટ ન અપાતાં પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાક્રમ બાદ પક્ષના 42 ઉમેદવારોએ સખરેલીયાને સમર્થન જાહેર કરી, પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની ચીમકી ઉચ્ચારી છે.
સખરેલીયાએ આ મામલે ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોંરાટે અંગત રસ લઈ તેમની ટિકિટ કપાવી નાખી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ધારાસભ્ય જયેશ રાદડિયા સાથેના તેમના નજીકના સંબંધોને કારણે તેઓ પ્રદેશ નેતૃત્વને ખટકતા હતા.
પરિસ્થિતિને કાબૂમાં લેવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે પોતાના નિવાસ સ્થાને સખરેલીયા અને અન્ય આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. સખરેલીયાએ સ્પષ્ટ કર્યું કે તેમને મેન્ડેટ ન મળ્યો તેનું દુઃખ નથી, પરંતુ તેઓ હજુ પણ ભાજપ અને રાદડિયા સાથે જોડાયેલા રહેશે.
આગામી દિવસોમાં ચૂંટણી બાદ પ્રદેશ નેતૃત્વ વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરતાં સખરેલીયાએ આરોપ મૂક્યો કે જેતપુરમાં ભાજપને નુકસાન પહોંચાડવા માટે આ ખેલ રચવામાં આવ્યો છે. આ ઘટનાક્રમથી જેતપુર ભાજપમાં જૂના-નવાના સમીકરણો બદલાવાની શક્યતા સર્જાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે વરિષ્ઠ નેતાઓ સક્રિય થયા છે અને ટૂંક સમયમાં આ વિવાદનો ઉકેલ આવવાની શક્યતા છે. આ ઘટનાક્રમે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મહત્વની તારીખો
- ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
- જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
- ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
- મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
- પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
- મતગણતરીની તારીખ તા.18/02/2025
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું 21 જાન્યુઆરીના રોજ એલાન કરવામાં આવ્યું હતું. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાનની તારીખ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાઈ છે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો....