રાજકોટઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે જેતપુરમાં ડોકટર્સ પર નગરપાલિકાના પ્રમુખના દિયર દ્વારા હુમલાના પ્રયાસના વિરોધમાં આજે જેતપુર અને જામકંડોરણાની તમામ હોસ્પિટલ તેમજ મેડિકલ સ્ટોર હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને પોરબંદરના સાંસદ રમેશ ધડૂક જેતપુર દોડી આવ્યા હતા.


જેતપુર આવેલા બંને દિગ્ગજોએ બંધ બારણે ડોક્ટરો સાથે મીટિંગ કરી હતી. આ સમયે ભાજપના મોટા ગજાના નેતાઓ પણ હાજર રરહ્યા હતા. રાદડિયા દ્વારા ડોક્ટરોની હડતાળ પૂર્ણ કરાવવા પ્રયાસ થઈ રહ્યા છે. નોંધનીય છે કે, આ ઘટના પછી ગઈ કાલે જેતપુર-જામકંડોરણા મેડિકલ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આપને જણાવતા ખેદ અનુભવીએ છીએ કે હાલમાં ડોક્ટર્સ પોતાના જીવના જોખમે દર્દીની સારવાર કરે છે તેમ છતા અમુક દર્દી તથા તેમના સગાઓ ડોકટર તથા સ્ટાફને સહકાર આપવાના બદલે હોસ્પિટલને નુકશાન તથા તબીબો પર હુમલાઓ કરે છે.

આથી ડોકટર તથા મેડિકલ સ્ટાફને ભયની લાગણી સર્જાયેલ છે. જેના અનુસંધાને IMA જેતપુર જ્યાં સુધી પરિસ્થિતિ નુ સમાધાન ના થાય ત્યાં સુધી હડતાળ પર જઈ રહ્યું છે, તેમના સંદર્ભે JJMA-જેતપુર પણ આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે અને આ હડતાળને સંપૂર્ણ પણે ટેકો જાહેર કરે છે. જ્યાં સુધી આ મુદ્દાનું સમાધાન ના થાય ત્યાં સુધી પોતાના ક્લિનિક પર તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ બંધ રાખશે.