Bhupendra Patel Junagadh Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી જૂનાગઢ જિલ્લાના વિકાસ માટે ૬૩૪ કરોડ રૂપિયાના નવા કામોની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે ૯૪ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારના વિકાસ કાર્યો પહોંચ્યા છે અને સરકાર વિકાસ માટે જરૂરી તમામ નાણાં પૂરા પાડશે. તેમણે સ્થાનિક ટીમને સંકલન કરીને નવા વિકાસ કામો માટે દરખાસ્તો મોકલવા પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારો માટે રોડ-રસ્તા સહિતના વિકાસ કામો માટે અંદાજે રૂ. ૬૩૪ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. જેમાં વિસાવદરમાં રોડ-રસ્તા માટે અંદાજે રૂ. ૨૫૯ કરોડ ઉપરાંત રૂ. ૫૫ કરોડના ખર્ચે અત્યાધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બજેટમાં જે પાંચ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરી છે, તેમાં વિસાવદરનો પણ સમાવેશ થાય છે અને આ માટે જમીનની ફાળવણી પણ થઈ ગઈ છે.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે જ્ઞાન આધારિત વિકાસની નીતિ અપનાવી છે અને શિક્ષણ, કૌશલ્ય વિકાસ તથા યુવાનોને રોજગારીની નવી તકો મળે તે માટે સરકાર સતત કાર્યરત છે. તેમણે જળસંચયના કામોને સરકારની અગ્રતા ગણાવતા જણાવ્યું હતું કે ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં વધારો કરીને ૫૦ લાખ રૂપિયા માત્ર પાણીના કામો માટે ખર્ચવાની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી સિંચાઈ યોજના વધુ મજબૂત બનશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ પાણીના કાર્યો માટે નાણાં વાપરવાની વિશેષ જોગવાઈથી સિંચાઈ વ્યવસ્થા મજબૂત બનશે તેમ ઉમેર્યું હતું. તેમણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નવ સંકલ્પોને સાકાર કરવા જનમેદનીને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના દરેક પ્રશ્નો અને સમસ્યાઓ માટે હંમેશા તેમની સાથે છે. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલે પણ આ પ્રસંગે સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રીએ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ. ૩૬.૯૫ કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું હતું, જેમાં વંથલી ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ, જૂનાગઢ જિલ્લા પંચાયત સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં વિવિધ સુવિધાઓ, જૂનાગઢ શહેરમાં બીઆરસી ભવન, કેશોદ ખાતે ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ અને વિસાવદર ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બે શાખાઓનું નવીનીકરણ અને પાંચ મંડળીઓને માઇક્રો એટીએમનું વિતરણ સામેલ છે.
આ ઉપરાંત, મુખ્યમંત્રીએ રૂ. ૫૭.૧૩ કરોડના વિવિધ કામોનું ઈ-ખાતમુહૂર્ત પણ કર્યું હતું, જેમાં જૂનાગઢ શહેરમાં નવી આઈટીઆઈ બિલ્ડીંગ, જૂનાગઢ સ્પોર્ટ્સ ક્લબમાં બેડમિન્ટન કોર્ટ, જૂનાગઢ અને માળિયાહાટીના ખાતે સબ રજિસ્ટ્રાર અને મામલતદાર કચેરીઓના બાંધકામ તેમજ માર્ગ અને મકાન વિભાગના વિવિધ રોડ રિસરફેસિંગના કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું સન્માન કર્યું હતું અને લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ તથા ટીબી મુક્ત ગામ માટે સન્માન પત્રો પણ એનાયત કર્યા હતા. કાર્યક્રમ પૂર્વે તેમણે પ્રાકૃતિક કૃષિ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.