ગાંધીનગરઃ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને ગુજરાત કોંગ્રેસના ટોચના આગેવાન ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં આવીને કોંગ્રેસમાં જોડાવ નિમંત્રણ આપ્યું હતું. નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે અને જાહેરાત કરી છે કે, પાટીદાર સમાજ કહેશે તો પોતે રાજકારણમાં આવશે. તેમણે કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે પાટીદાર સમાજ આ અંગે નિર્ણય લેશે અને પાટીદાર સમાજનો આદેશ હશે તો પોતે રાજકારણમાં આવશે.


ખોડલધામના અગ્રણી નરેશ પટેલે રાજનીતિમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, સમય આવશે અને સમાજ કહેશે તે મુજબ રાજનીતિમાં પ્રવેશ મુદ્દે નિર્ણય લઈશ. સમાજ કહેશે તો રાજકારણમાં આવ્યા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહીં. ભરતસિંહ અને જગદીશ ઠાકોરે જે શબ્દોથી નવાજ્યા તે માટે આભાર. ભરતસિંહ અને જગદીશ ઠાકોરે એબીપી અસ્મિતા પર નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા  આમંત્રણ આપ્યું છે. નરેશ પટેલ માટે કોંગ્રેસ રેડ કાર્પેટ તૈયાર હોવાનું જગદીશ ઠાકોરે એબીપી અસ્મિતા પર આમંત્રણ આપ્યું હતું. 


પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની ગુજરાત સરકારે ખાતરી આપી હતી. આ ખાતરી છતાં તમામ કેસો પાછા ના ખેંચાતાં પાટીદાર સમાજમાં અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની ખાસ બેઠક બોલાવી છે. આ બેઠક પહેલાં પાટીદાર આગેવાનોની બેઠક સરદાર ધામ ખાતે મળી હતી. આ બેઠક પછી નરેશ પટેલે પોતે રાજકારણમાં જોડાશે એવો સંકેત આપ્યો છે. મુખ્યમંત્રી સાથેની પાટીદાર આગેવાનોની બેઠકમાં  પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા થશે અને કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.


નરેશ પટેલે કહ્યું કે, સમય આવ્યે સનાજ નક્કી કરશે તે પ્રમાણે હું નિર્ણય લઈશ. નરેશ પટેલે પોતાને મહત્વ આપવા બદલ ભાજપ અને કોંગ્રેસ બંનેનો આભાર માનતાં કહ્યું કે, ખોડલધામ દરેક પક્ષ અને સમાજને સાથે રાખીને કામ કરે છે તેથી ખોડલધામ કોઈ ચોક્કસ પક્ષતરફી નથી.