Rajkot : 2022ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે દરેક જ્ઞાતિ દરેક સમાજના આગેવાનો એકઠા થઈ રહ્યા છે. રાજકારણમાં પોતાનું અસ્તિત્વ તેમજ પોતાના સમાજનું મહત્વ દર્શાવવા દરેક જ્ઞાતિ સમાજ એકઠો થઇ શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજરોજ કોળી સમાજનું સંમેલન મળવા જઇ રહ્યું છે. આ સંમેલનમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરાની બાદબાકી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકારણના નામે સમાજમાં ફૂટ પાડતા લોકોને આ સંમેલનથી દુર રાખવાનો પ્રયાસ સમાજના સંગઠનના હોદ્દેદારોએ કર્યો છે. સમાજના જે શોષિત, વંચિતો, પીડિતો છે તેમને ન્યાય મળે તેવો આગળ આવે આર્થિક સ્થિતિ સુધરે સામાજિક સ્થિતિ સુધરે તે માટે આજરોજ બેઠક મળવા જઇ રહી છે. ત્યારે આ બેઠકમાં શું નિષ્કર્ષ સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજિક સંગઠનો સક્રિય થયા છે. રાજકોટમાં પાટીદાર સમાજની બેઠક બાજે હવે કોળી સમાજની પણ બેઠક યોજાશે.આજે બપોરે મોરબી રોડ પર કોળી સમાજની બેઠક મળશે.જેમાં કોળી સમાજને ટિકિટમાં અન્યાય બાબતે ચર્ચા કરાશે.સાથે જ કોળી સમાજના જાણીતા ચહેરાઓની 2022માં ટિકિટ ન કાપવા બાબતે ચર્ચા થશે.આ બેઠકમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાઅને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
શું કહ્યું કુંવરજી બાવળીયાએ ?
આ અંગે એબીપી સાથે વાતચીત દરમિયાન કુંવરજી બાવળીયાએ સ્વીકાર કર્યો કે તેમને આમંત્રણ આપવામાં નથી આવ્યું. જો કે તેમણે એમ પણ કહ્યું કે આ સંમેલન વિષે તેમને જાણ જ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે બિનરાજકીય કાર્યકમ હોય તો તેમને આમંત્રણ આપવામાં ન આવ્યું હોય. આ સાથે કુંવરજી બાવળીયાએ એમ પણ કહ્યું કે તેઓ પોતાના અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત છે.
કોળી સમાજના સંમેલનમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરાની બાદબાકીથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.