RAJKOT : ખનીજચોરો ચોરી ઉપરાંત નકલી હુકમ બનાવવા જેવી છેતરપિંડી પણ કેટલી હદ સુધી આચરી શકે છે તેનો કિસ્સો ધોરાજીમાંથી બહાર આવ્યો છે જેમાં ચોરી કરેલા ખનીજની ટ્રક છોડાવવા માટે ભૂસ્તરશાસ્ત્રીના નકલી સહી-સિક્કા કરી પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે.


રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભૂમાફિયાઓનું તરકટ સામે આવ્યું છે. ધોરાજીમાં રેતી ભરેલી ટ્રક પકડાયાના બીજા જ દિવસે  ભૂમાફિયાઓ ભૂસ્તરશાસ્ત્રીની નકલી સહીનો હુકમ લઈ પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવી ગયા. 


ખાણ ખનીજ વિભાગે 24 ફેબ્રુઆરીએ ટ્રક પકડી અને માર્ચમાં દંડની નોટિસ આપી હતી, પણ તે પહેલા 25 ફેબ્રુઆરીએ જ ટ્રક છૂટી ગઇ.દંડ ન ભરાતા રિવ્યૂ બેઠકમાં આકરી કાર્યવાહી માટે નિર્ણય લેવાયો અને પોલીસને જાણ કરાતા કૌભાંડ થયાનું ખુલ્યું.


ધોરાજી-ઉપલેટા રોડ પરથી 24 ફેબ્રુઆરીએ બે ટ્રક પકડી હતી જેમાં એક ટ્રક વિજય નાનજી બોરીચા અને બીજી ટ્રક દિનેશ થોભણ બાંભવાની હતી. આ બંને ટ્રકને પકડીને ધોરાજી પોલીસ સ્ટેશન સોંપવામાં આવી હતી અને બાદમાં અનુક્રમે 5 માર્ચે 101384 અને 31 માર્ચ 96388 રૂપિયાના દંડનો હુકમ કર્યો હતો. આ સમય બાદ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે. એચ. વાઢેરે રિવ્યૂ બેઠક બોલાવી હતી અને જેટલામાં દંડનો હુકમ કરવા છતાં ભરપાઈ ન થઈ હોય તેવા કિસ્સામાં પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો.


આ પૈકી ધોરાજીની ઉપરોક્ત બંને ટ્રકમાં ફરિયાદ કરવા માટે ધોરાજી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાતા આ બંને ટ્રક કચેરીના હુકમના આધારે છોડાવી ગયાનો જવાબ મળ્યો હતો. જેથી ભૂસ્તરશાસ્ત્રીએ મુક્તિ હુકમ મગાવ્યા હતા જે 25 અને 28 ફેબ્રુઆરીના હતા એટલે કે ટ્રક પકડી બાદ તુરંત જ દંડની કાર્યવાહી અને ભરપાઈ ઉપરાંત મુક્તિ હુકમ બની ગયો હતો પણ તેમણે સહી જોતા પોતાની નહિ પણ નકલી હોવાનું સ્પષ્ટ જણાયું હતું. તેથી 18મીએ સાંજે જ હુકમના જાવક નંબરની ખરાઈ કરાતા તે પણ ખોટા નીકળતા પોલીસ ઈન્સ્પેક્ટરને જાણ કરી હતી અને તાત્કાલિક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.


​​​​​માઈન્સ સુપરવાઈઝરની ફરિયાદ પરથી પોલીસે રાતોરાત 5 શખ્સને ઉઠાવ્યા હતા અને  છેતરપિંડી, કાવતરા સહિતનો ગુનો નોંધ્યો હતો. ભૂમાફિયાઓએ રજૂ કરેલા ખોટા હુકમમાં હુકમના જાવક નંબરથી માંડી ભૂસ્તરશાસ્ત્રીની સહી સહિત બધું જ નકલી હોવાનું સાથે જ બેંકનું ચલણ પણ ખોટું હોવાની શંકા છે.