રાજકોટઃ રાજકોટ મહાનગરમાં તારીખ ૧૪મી મેથી કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ મહાનગરમાં ઉદ્યોગ-ધંધા શરૂ કરવાની છૂટ આપી છે. જિલ્લા કલેકટર યોગ્ય શરતો નક્કી કરીને મંજૂરી પરવાનગી આપશે. ઉદ્યોગ-ધંધા શરૂ કરનારા એકમો-લોકોએ પ્રવર્તમાન સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સીંગ -ફરજીયાત માસ્ક, કામદારોનું આરોગ્ય પરિક્ષણ-કામના સ્થળને ડિસઇન્ફેક્ટ કરવું તથા ભીડભાડ અટકાવવા કામદારોના આવન-જાવન-ભોજન સહિતના સમય સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટમાં અપાયેલી માહિતી પ્રમાણે રાજકોટમાં હાલ, જંગલેશ્વર, રાજલક્ષ્મી સોસાયટી અને ક્રીષ્ણજીત સોસાયટી કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરેલી છે. ત્યારે આ છૂટ રાજકોટના આ ત્રણ વિસ્તારોમાં લાગું નહીં પડે. તેમજ આ વિસ્તારોમાં ધંધા-રોજગારને છૂટ આપવામાં આવી નથી.



મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ગુરૂવાર તા. ૧૪મી મે-ર૦ર૦થી રાજકોટ મહાનગરમાં ઉદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે, તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે.

મુખ્યમંત્રીના આ નિર્ણયની વિગતો આપતાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, રાજકોટ શહેરનો સમાવેશ ઓરેન્જ ઝોન કેટેગરીમાં કરવામાં આવેલો હતો. આમ છતાં ત્યાં એક અઠવાડિયા સુધી કોઇ ઊદ્યોગ-ધંધા શરૂ ન કરવા દેવાની સૂચનાઓ તકેદારી રૂપે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી હતી. મુખ્યમંત્રીએ હવે છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરમાં કોરોનાનો કોઇ નવો કેસ ન આવતાં આગામી તા. ૧૪મી મે ગુરૂવારથી રાજકોટ શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.



રાજ્યમાં જનજીવન ઝડપથી પૂર્વવત થાય અને ઉદ્યોગ-ધંધા શરૂ થવાથી રોજગારી, આર્થિક આધારની તકો ખૂલે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગર માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, એમ પણ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ રાજકોટ શહેરમાં આગામી ૧૪મી મે ગુરુવારથી ઉદ્યોગ ધંધા શરુ કરવાના હેતુસર આપવાની થતી મંજૂરી પરવાનગીઓ જિલ્લા કલેક્ટર કક્ષાએથી યોગ્ય શરતો નક્કી કરીને આપવામાં આવે તેવું સૂચન પણ કર્યુ છે.

મુખ્યમંત્રીના સચિવે વધુમાં ઉમેર્યુ કે, મુખ્યમંત્રીએ ઉદ્યોગ-ધંધા ફરી શરૂ થાય ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કના ફરજિયાત ઉપયોગ સહિતની બાબતોના અવશ્યપણે પાલન માટે પણ સૂચનાઓ આપી છે. તેમણે જણાવ્યું કે, આવા ઉદ્યોગ-ધંધા શરૂ કરનારાઓએ કામદારો-શ્રમિકોના આરોગ્યનું કામના સ્થળે પરિક્ષણ, કામકાજના સ્થળને સમયાંતરે ડિસઇનફેક્ટ કરવું તેમજ કામદારોના આવવા-જવાના સમયે ભીડભાડ ન થાય તે માટે સ્ટેગર્ડ ટાઇમ અને ભોજન-લંચ બ્રેકનો સમય પણ સ્ટેગર્ડ કરવાની સૂચનાઓ તથા નિયમોનું પાલન કરવાનું રહેશે.