Lok Sabha Election 2024: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને બદલવાની ક્ષત્રિય સમાજની માંગની વચ્ચે રાજકોટ બેઠક પર ઉમેદવારને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મોહન કુંડારીયાની ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સરકારી વિભાગોનું નો ડ્યુ સર્ટિફિકેટ પણ કુંડારીયા તૈયાર કરતા હોવાના અહેવાલ મળી રહ્યા છે. નો ડ્યુ સર્ટિફિકેટ તૈયાર કરાતા હોવાથી કુંડારીયા ઉમેદવારી કરે તેવી ચર્ચા શરૂ થઇ હતી. જોકે પોતાની ઉમેદવારીને લઇને મોહન કુંડારિયાએ અફવા ગણાવી હતી. પરસોત્તમ રૂપાલાને જીતાડવા પ્રયાસ કરતા હોવાનો ટેલિફોનિક વાતચીતમાં દાવો કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસે આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા નથી. તો બીજી તરફ હવે સાંસદ એવા મોહન કુંડારિયાને લઈને પણ ચર્ચા અને અટકળોએ જોર પકડ્યું છે. ખાસ કરીને મોહન કુંડારિયાએ સર્કિટ હાઉસ સહિત સરકારી વિભાગોમાં પોતાના નામે કોઈ બિલ કે દેવું બાકી ન હોવાના સર્ટિફિકેટ અરજી કર્યાના અહેવાલો આવી રહ્યા છે. કેમ કે કોઈ જન પ્રતિનિધિ ફરી એકવાર ચૂંટણી લડતો હોય ત્યારે ઉમેદવારી કરતા સમયે નો ડ્યુ સર્ટિફિકેટ તૈયાર રાખતા હોય છે. ત્યારે મોહન કુંડારિયાએ નો ડ્યુ સર્ટિફિકેટ ક્યાંક ઉમેદવારી કરવા માટે તો નથી તૈયાર કરી રહ્યાને તેની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. નો ડ્યુ સર્ટિફિકેટ તૈયાર કરવાને લઈ ઉમેદવારી સાથે કઈ પણ લેવા દેવા ન હોવાની મોહન કુંડારિયાએ abp અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં સ્પષ્ટતા કરી છે. એટલું જ નહીં વહેતી થયેલી વાતોને અફવા ગણાવી મોહનભાઈએ પરસોત્તમ રુપાલા પક્ષના ઉમેદવાર છે ત્યારે તેમને મોટી લીડથી જીતાડવાની તૈયારી કરી હોવાનો દાવો કર્યો હતો.
બીજી તરફ રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દિલ્હીના પ્રવાસે જશે. રૂપાલા કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જશે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે. ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવાની પી.ટી.જાડેજાએ મોટી જાહેરાત કરી હતી. આ અઠવાડિયાના અંતમાં મહાસંમેલન બોલાવવાની તેમણે જાહેરાત કરી હતી. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે અમે ભાજપના વિરોધી નથી, રૂપાલાનો વિરોધ છે. છ કે સાત એપ્રિલે ગુજરાતમાં મહાયુદ્ધ થશે. મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિયો એકઠા થશે. 90 સંસ્થાઓની આજે ફરીથી બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ સાથે બેઠક મળશે.