રાજકોટ: વરિષ્ઠ પત્રકાર અને ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલને વર્ષ 2024નો નચિકેતા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. રાજકોટમાં રોનક પટેલને ગુજરાતની અસ્મિતા સમાન આ એવોર્ડ એનાયત કરાયો છે. નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પત્રકારોને આ એવોર્ડ આપવામાં આવે છે. કથાકાર મોરારીબાપુના હસ્તે રોનક પટેલને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડની સાથે જ ABP અસ્મિતાના સંપાદક રોનક પટેલને રુપિયા સવા લાખની રાશી અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
રોનક પટેલ વિવિધ ગુજરાતી ચેનલો સાથે જોડાયેલા રહ્યા છે હાલમાં તેઓ ABP અસ્મિતાના સંપાદક છે. મૂળ મહેસાણાના અને શિક્ષક માતા-પિતાના સંતાન વર્ષ 2000થી ત્રણ વર્ષ સુધી ઝી આલ્ફા ગુજરાતી સાથે જોડાયેલા રહ્યા હતા. રોનક પટેલે સુરત અને આસપાસના વિસ્તારોમાં એમણે પત્રકારત્વની કારકિર્દીની શરુઆત કરી હતી. વર્ષ 2003થી તેઓ દક્ષિણ ગુજરાતના રિપોર્ટર તરીકે સ્ટાર ન્યૂઝમાં જોડાયા હતા.
રોનક પટેલની કારકિર્દીનો મહત્વનો પડાવ છે હું તો બોલીશ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં તેઓ બેબાક રીતે ગુજરાતના વિવિધ વિષયો પર રજૂઆત કરે છે. આ કાર્યક્રમ હું તો બોલીશની વિશેષતા એ છે કે આ કાર્યક્રમે થોડા સમય પહેલા 1000 એપિસોડ પૂરા કર્યા છે. આ હું તો બોલીશ કાર્યક્રમ દરમિયાન રોનક પટેલે ક્યારેક પણ બ્રેક લીધો નથી. તેમનો આ કાર્યક્રમ ગુજરાતમાં ખાસ્સો લોકપ્રિય છે. સરદાર પટેલ તેમના માટે આદર્શ છે.
આ નચિકેત એવોર્ડ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર ભરત ઘેલાણી, કૌશિકભાઈ મહેતા સહિતના વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના તંત્રીઓ, પત્રકારો,સામાજિક અને રાજકીય અગ્રણીઓએ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.