સ્થાનિક સ્વારાજની ચૂંટણી પહેલા કૉંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસને મજબૂત બનાવવા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ સુકાન હાથમાં લીધું છે. ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, જય ઠાકર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જે પોરબંદર, ઘેડ પંથક, કચ્છ અને દ્વારકા જિલ્લામાં સેવા કરી રહ્યા છે તેમાંથી મોટી સંખ્યામાં લોકો આજે કોંગ્રેસમાં જોડાયા છે.


સૌરાષ્ટ્રના કોંગ્રેસના સહપ્રભારી જીતેન્દ્ર બધેલે તમામને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. વધુમાં ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલી મહિલાઓને કોંગ્રેસમાં અવકારવામાં આવી રહ્યા છે અને આગામી ચૂંટણીઓમાં 50 ટકા મહિલા અનામત હેઠળ ટીકીટની ફાળવણી કરવામાં આવશે. મહિલાઓ કોંગ્રેસમાં આવશે તો કોંગ્રેસને જ મોટો ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વારાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ કૉંગ્રેસના નેતાઓ પક્ષ બદલી રહ્યા છે. ચૂંટણી પંચે રાજ્યમાં સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહીનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કૉંગ્રેસે પૂર જોશમાં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

ગુજરાતમાં આ વખતે ઘણા પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાના છે. આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે. છોટુ વસાવાની બીટીપી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે.