રાજકોટઃ શહેરના મહિલા સામાજિક કાર્યકરે કેનેડામાં રહેતા પોતાના પતિ સામે શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ દારૂના નશામાં શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પરિણીતા દ્વારા કરવામાં આવી છે. ગોરાબેન ત્રિવેદી નામની મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

મહિલાએ ફરિયાદમાં ગોરાબેને જણાવ્યુ હતું કે, તેમના ચાર વર્ષ પહેલા તેનાથી 10 વર્ષ નાના અને કેનેડામાં રહેતા નિરવ પટેલ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરીવાળાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્ન પછી પતિ પણ ત્રાસ આપતો હતો. દારૂ પી ક્રુરતા પૂર્વક સંબંધ બાંધતો હતો. દરમિયાન ગર્ભ રહી જતા પતિને ગમ્યું ન હતું અને મારી સાથે માથાકૂટ કરતો હતો. જેને કારણે ગર્ભપાત થઈ ગયો હતો.



તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ત્રણેક માસથી મારા મમ્મી-પપ્પા સાથે રહું છું અને ઘરકામ કરૂ છું. આ મારા બીજા લગ્ન છે. અમે બંને એકબીજાને દસેક વર્ષથી ઓળખતા હોઇ અને અમારા બંનેના પરીવારની સહમતી હોય અમે એકબીજાના પરિવારની મરજીથી આ લગ્ન કર્યાં હતા. મારા સાસુ-સસરાને પહેલેથી જ હું ગમતી ન હતી. જેથી મને વારંવાર સંભળાવતાં કે અમારા પટેલની છોકરી બધુ ઘરનું કામ કરે તું આવડી મોટી હોવા છતા તને કાંઇ ઘરનું કામ આવડતું નથી.



એટલું જ નહીં, પરિણીતાનો આક્ષેપ છે કે, તેઓ કરિયાવર મુદ્દે પણ સંભળાવતા તેમજ વારંવાર પૈસાની માંગણી કરતા હતા. નિરવને ધંધો કેનેડામાં સેટ કરવા પૈસાની માંગણી કરતા હતા. આ અંગે પરિણતાએ પતિ નિરવ સાથે ફોન ઉપર વાત કરતાં તેણે પણ મારી પાસે પૈસા નથી. જેથી તારા મમ્મી -પપ્પાને કહે તો મદદ મળે. આમ નિરવ પણ આડકતરી રીતે પૈસાની લાલચમાં હતો.

પરિણીતાએ જણાવ્યું હતું કે, મને કેનેડાના વિઝા મળતાં હું કેનેડા જતી રહી હતી. ત્યાં પણ નિરવ મારા તરફ ધ્યાન આપતો નહીં અને મારાથી દૂર રહેતો. મારી ઉંમર મોટી હોઇ મેં નિરવને બાળક માટે વાત કરી તો નિરવે કોઇ કારણોસર ના પાડી અને કહ્યું કે તું કંઈ કામ ધંધો કર. તું મને બહુ ગમતી નથી તેમ કહીં મારી સાથે ઝઘડો કર્યો હતો. નિરવ દારૂ પીને મારૂ સાથે સંબંધ બાંધતો હતો. જે દરમિયાન ગર્ભ રહેતા આ વાત નિરવને ગમી નહીં. મને સતત માનસિક ત્રાસ હોય જેથી મિસકેરેજ થઈ ગયું હતું. પરિણીતાએ પતિ નિરવને કટકે કટકે 45 લાખ રૂપિયા ધંધા માટે આપ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જોકે, તેણે રૂપિયા બીજે વાપરી નાંખ્યા હોવાનો ફણ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, તેને છૂટાછેડાની નોટિસ આપી સંપર્કવિહોણા થઈ જતાં તે રાજકોટ આવી હતી. અહીંથી પણ સાસરીવાળાએ કાઢી મૂકતા પરિણીતા મારા માતા-પિતાને ત્યાં રહેવા જતી રહી હતી. તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.