રાજકોટમાં બી.ઝેડ. જેવું જ એક મોટું પોન્ઝી સ્કીમ કૌભાંડ સામે આવ્યું છે. બ્લોકઓરા નામની કંપનીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રાજકોટના 40 સહિત ગુજરાતના આશરે 8000 રોકાણકારોને 300 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. કંપનીના સંચાલકો હવે ફરાર થઈ ગયા છે. આ અંગે ભોગ બનેલા રાજકોટના વેપારીઓ સહિતના રોકાણકારોએ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવી છે.


Rajkot scam news: આ કૌભાંડમાં બ્લોકઓરા કંપનીએ રોકાણકારોને રૂ. 4.25 લાખનું રોકાણ કરવા પર દરરોજના 4000 રૂપિયાના વળતરની લાલચ આપી હતી. કંપનીના ફાઉન્ડર અને ભાગીદારોએ ટી.એ.બી.સી. નામની એક ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી હતી. છેલ્લા બે વર્ષમાં આ કંપનીએ આશરે 300 કરોડ રૂપિયા ઉઘરાવ્યા અને પછી સંચાલકો ફરાર થઈ ગયા.


રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને પોતાની આપવીતી જણાવી હતી. તેમણે બ્લોકઓરા કંપનીના ફાઉન્ડર અંકલેશ્વરના ફિરોઝ દિલાવર મુલતાણી, ભાગીદાર નિતિન જગત્યાની, સૌરાષ્ટ્રના હેડ લીંબડીના અમિત મનુભાઈ મુલતાણી, સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદીન સતાક મુલતાણી અને ગુજરાતના હેડ મક્સુદ સૈયદના નામ આપ્યા છે.


પોલીસને આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે આ ટોળકીએ લીંબડીમાં એક જ્ઞાતિનું સંમેલન યોજ્યું હતું. જ્યાં તેમણે લોકોને તેમની લોન્ચ કરેલી ક્રિપ્ટો કરન્સી ટી.એ.બી.સી.માં રૂ. 4.25 લાખનું રોકાણ કરવા પર દરરોજના રૂ. 4000નું વળતર આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, પરંતુ આ ક્રિપ્ટો કરન્સીનો ભાવ ભવિષ્યમાં 300 ડોલર સુધી પહોંચી જશે અને રોકાણકારોને કરોડો રૂપિયાનો નફો થશે તેવી પણ ખોટી વાતો ફેલાવી હતી. આ લાલચમાં આવીને રાજકોટના ઘણા રોકાણકારોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું.


આ ઉપરાંત, આ ટોળકીએ અન્ય રોકાણકારોને ફસાવવા માટે હોટલોમાં મીટિંગો પણ યોજી હતી અને મોબાઈલમાં ઝૂમ મીટિંગ દ્વારા મુંબઈની સહારા હોટલ તેમજ અન્ય ફાઈવસ્ટાર હોટલોના વીડિયો બતાવીને લોકોને વિશ્વાસમાં લીધા હતા.
બ્લોકઓરા કંપનીના સંચાલકોએ આશરે બે વર્ષ સુધી રોકાણકારોને કોઈ વળતર આપ્યું ન હતું. જ્યારે રોકાણકારોએ કંપનીના ફાઉન્ડર ફિરોઝ અને અન્ય ભાગીદારોનો સંપર્ક કર્યો, ત્યારે તેઓએ ટૂંક સમયમાં જ આ કરન્સી કોઈન રૂપે લોન્ચ થશે અને વળતર મળશે તેવી ખોટી બાહેધરી આપી હતી. પરંતુ અંતે સંચાલકો હાથ ઊંચા કરી ફરાર થઈ ગયા હતા.


રાજકોટના 40 જેટલા રોકાણકારોએ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ટોળકીએ ગુજરાતના આશરે 8000 જેટલા રોકાણકારોને ફસાવીને રૂ. 300 કરોડથી વધુની રકમ ઉસેટી છે. આરોપીઓ વિરુદ્ધ સુરત પોલીસમાં પણ ગુનો નોંધાયો છે. હવે રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય રોકાણકારો પણ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ ગુનો નોંધાવવા માટે રજૂઆત કરી રહ્યા છે.


આ પણ વાંચો...


GSRTCમાં વર્ગ-3ની ભરતીને લઈ મોટા સમાચાર, સરકારે લાયકાતમાં કર્યો ફેરફાર, જાણો નવો નિયમ