મોરબીઃ રામઘાટ પાસે થયેલી 26 વર્ષીય યુવાનની હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. 10 વર્ષ પહેલાના પ્રેમસંબંધમાં યુવકની હત્યા થઈ હોવાનો ધડાકો થયો છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, રફીક અબ્બાસ શાહમદાર (ઉ.વ.26 રહે કાલિકા.પ્લોટ)ને 10 વર્ષ પહેલા આરોપીની બહેન સાથે પ્રેમસંબંધ હતા. જોકે, યુવતીના પરિવારને આ પ્રેમસંબંધ મંજૂર ન હોવાથી મનદુઃખ થયું હતું. જોકે, જે તે સમયે સમાધાન થઈ ગયું હતું. પરંતુ યુવતીના ભાઈને હજુ પણ તેના પર ખાર હતો.

આ પ્રેમપ્રકરણનો ખાર રાખીને યુવકની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. એ ડિવિઝન પોલીસ મૃતકના પિતા અબ્બાસ મહમદશા રફાઇની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.