Latest Morbi News: રાજ્યમાં ગરમીની સાથે હાર્ટ એટેકેના કિસ્સામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષક બે દિવસ પહેલા જ ઘરે આવ્યા હતા. આજે તેમને હાર્ટ એટેક આવતાં મોત થયું હતું.


મોરબીના ખાનપર ગામે રહેતા રાહુલકુમાર જીવણભાઈ ડાવેરા (ઉ.વ.29)ને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે તપાસી હાર્ટએટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. રાહુલકુમાર સરકારી શિક્ષક હતા અને દ્વારકા જિલ્લાના સલાયા ગામે ફરજ બજાવતા હતા. 2 દિવસ પહેલા જ તેઓ તેમના ઘરે ખાનપર ગામે આવ્યા હતા.


અસહ્ય ગરમીમાં હૃદય રોગના હુમલાના કિસ્સામાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ હૃદય રોગના હુમલાને કારણે વડોદરા શહેરમાં નવ વ્યક્તિઓ જ્યારે મોગર ગામના એક વ્યક્તિ મળી 10 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. વાઘોડિયા રોડ ઉપર અંબે વિદ્યાલય પાસે વૈકુંઠ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય નરેન્દ્ર ભાઈ મીરાબાઈ રાઠવા ઘરે બેભાન થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા.


બીજા બનાવમાં ડભોઇ રોડ ઉપર જલારામ નગરમાં રહેતા 57 વર્ષ ચેતનભાઇ રાઠવા છાતિમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જતા ત્યાં સારવાર દરમિયાન હાર્ટ અટેકથી મોત થયું. તરસાલીના શારદા નગરમાં રહેતા 57 વર્ષ કુમાર પાંડે છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેમનું મોત થયું હતું. તો સમતા રોડ ઉપર સૌરભ પાર્ક સોસાયટીમાં રહેતા 70 વર્ષ હંસાબેન નાયકને તેમના દીકરી અને જમાઈ વારંવાર ફોન કરતાં ફોન ન ઉઠાવતા પડોશીને જાણ કરી હતી. ઘરના દરવાજા બંધ હોય ફાયર બ્રિગેડને બોલાવી બહાર કાઢતા તેઓ બેભાન હતાં હોસ્પિટલ લઈ જતા તેમનું શંકાસ્પદ હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હતું.


વાસણા કોતરિયા ગામમાં રહેતા 67 વર્ષે મગનભાઈ કેશુભાઈ રોહિત એકાએક છાતીમાં દુખાવો પડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હૃદય રોગથી મોત થયું હતું અને છાણી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવાનની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જતા શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થયું હતું. તરસાલીમાં રહેતા 32 વર્ષીય સંજયભાઈ સોલંકી તેમને ગભરામણ થતાં સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં હૃદય રોગથી તેમનું મોત નીપજ્યું હતું. તમામ હાર્ટ એટેકના શંકાસ્પદ મોત છે. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.