Gujarat Rain Update: વલસાડના કપરાડામાં 14 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. હાલમાં મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમ માંથી નદીમાં 21900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. વાપી નજીક દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થય છે. સાવચેતીના ભાગરૂપે લોકોને નદી કિનારા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. જો કે, આ બધાની વચ્ચે તંત્રના સૂચનનો અનાદર કરી કેટલાક લોકો ધસમસતી નદીના પ્રવાહ નજીક પહોંચ્યા હતા. આગામી બે દિવસમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


 



આ ઉપરાંત તો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં, રાજકોટ જિલ્લાના જામકંડોરણા ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર બે ફૂટ બાકી છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પુરૂ પાડતો ફોફળ ડેમમાં 24 ફૂટ પાણીનો વધારો થયો છે. સતત વધી રહેલા પાણીના પ્રવાહને જોતા તંત્ર દ્વારા નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ફોફળ ડેમમાં સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે ડે નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમા દૂધીવદર, ઈશ્વરીયા, તરવડા, વેઞડી ગામોનો સમાવેશ થાય છે.


 




ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં


તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમના હેઠવાસમાં આવતા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. જેમાં ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા તેમજ પોરબંદર તાલુકાના વિસ્તારોનો સમાવેશ થાય છે. નદી કાંઠા વિસ્તારમાં આવતા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપાઈ છે. તંત્ર દ્વારા નદી કાંઠાના 37 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોએ નદીના પટમાં ન જવાની તેમજ નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રહેવા માટેની સૂચના અપાઈ છે. હાલ ડેમમાં 3362 ક્યુસેક પાણીની આવક થઇ રહી હોવાની પણ વિગતો સામે આવી છે. ડેમની કુલ સપાટી 53.10 મીટર છે જમાંથી હાલની સપાટી 51.30 મીટર પહોંચી છે.


રાજ્યમાં પડેલો વરસાદ












  • વલસાડના કપરાડા તાલુકામાં ૮ ઈંચ વરસાદ

  • વલસાડના વાપી તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ 

  • નવસારીના ખેરગામ તાલુકામાં પોણા છ ઈંચ વરસાદ

  • વલસાડના ધરમપુર તાલુકામાં ૫.૫ ઈંચ વરસાદ

  • વલસાડના પારડી તાલુકામાં ૫ ઈંચ વરસાદ

  • રાજકોટના ઉપલેટા તથા કચ્છના માંડવી તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ 

  • રાજ્યના ૧૮ તાલુકાઓમાં ૩ થી ૪ ઈંચ વરસાદ

  • રાજ્યના ૬૯ તાલુકાઓમાં ૧ થી ૩ ઈંચ વરસાદ 

  • રાજ્યમાં સીઝનનો કૂલ વરસાદ ૨૩.૪૯ ટકા થયો