રાજકોટ:  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ શહેરમાં આજે સવારથી જ  વાદળછાયું વાતાવરણ હતું. બાદમાં  બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના મવડી રોડ અને નાના મવા સર્કલ પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. શહેરના રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે મવડી બ્રિજ નીચે ગોઠણસમા પાણી ભરાયા છે. 


રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ


આજે હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તીર્થ નગરી દ્વારકામાં અચાનક જ ભારે પવન સાથે  વરસાદ શરૂ થતા સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યુ છે. આજે સમગ્ર દ્વારકા જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર પંથકમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. બપોરે અચાનક જ યાત્રાધામ દ્વારકાનાં વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો. માત્ર 10થી 15 મિનિટનાં વરસાદમાં શહેરનાં તમામ રોડ રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. ત્યારે પવિત્ર ગોમતી ઘાટ પર સહેલાણીઓ ઉમટ્યા હતા અને દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો. વરસાદ પડતાં જ વીજ પુરવઠો ખોરવાયો હતો. 


લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ


રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસતારોમાં વરસાદ નોંધાયો છે. મેટોડા જીઆઈડીસી, વાજડી વડ, વાગુદડ, મેટોડા, બાલસર, રાતૈયા,ખીરસરા, દેવગામ, છાપરામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.


પોરબંદર વિસ્તારમાં વરસાદી માહોલ


પોરબંદર નજીકના વનાણા અને પીપળીયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પોરબદર-કુતિયાણા નેશનલ હાઇવે પર વાહનો થભી ગયા હતા. માર્ગો ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.