મોરબી:  રાજ્યમાં દિવાળીના તહેવારોની શરુઆત થઈ ગઈ છે. આ વર્ષે દિવાળીનો તહેવાર  રવિવારે છે.  દિવાળી પહેલા જ લોકો ફટાકડા ફોડવાનું શરુ કરી દેતા હોય છે.   મોરબીમાં ગત રાત્રિના ફટાકડા ફોડવા બાબતે બે પડોશી વચ્‍ચે ચાલી રહેલી માથાકુટમાં અન્‍ય એક પડોશી આધેડ વચ્‍ચે પડતાં તેને છાતીમાં છરી મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.  ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા હતાં. રાજકોટમાં તેમનુ મોત થતા આ બનાવ  હત્‍યામાં પરિણમ્યો હતો. આ હત્યાની ઘટનાથી પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.  પાડોશીના ઝઘડામાં વચ્‍ચે પડતાં નિર્દોષનો ભોગ લેવાયો છે.  તહેવાર ટાણે જ મોભીની હત્‍યાથી પરિવારમાં શોકનો માહોલ છે.



 


છરીથી હુમલો કરી છાતીમાં ઘા ઝીંકી દિધા હતા


મોરબીના લાભનગર વિસ્તારમાં રહેતાં રાજેશદાન અમરદાન નાંધુ (ઉ.વ.૪૮) પર રાત્રિના 9 વાગ્‍યા આસપાસ ઘર નજીક જ રહેતાં વલી નામના શખ્‍સે છરીથી હુમલો કરી છાતીમાં ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં મોરબીની ખાનગી હોસ્‍પિટલમાં અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  અહિ તેમને તાત્કાલિક જ ઓપરેશન માટે લઇ જવામાં આવ્‍યા હતાં. તબિબોએ જીવ બચાવવા અનેક પ્રયાસો કર્યા હતાં. પરંતુ વહેલી સવારે રાજેશદાન નાંધુએ અંતિમશ્વાસ લેતાં બનાવ હત્‍યામાં પલટાયો હતો. 


આ બનાવની જાણ હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ અને જયદિપભાઇ હુદડે મોરબી બી-ડિવીઝનમાં કરતાં મોરબી પોલીસે રાજકોટ આવી ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.  હત્‍યાનો ભોગ બનનાર રાજેશદાન નાંધુ ડ્રાઈવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં.  તેઓ  ત્રણ ભાઇ અને ત્રણ બહેનોમાં ચોથા નંબરે હતાં. તેમના પિતા હયાત નથી. માતાનું નામ કનકબા અને પત્‍નિનું નામ નીલાબા છે.  તેઓને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે, દિકરા દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.


ફટાકડા ફોડવાને લઈ માથાકુટ


સગાના જણાવ્યા મુજબ રાત્રિના રાજેશદાનના પડોશી લાખાભાઇ વાલાભાઇ જામંગ અને વલી જામ વચ્‍ચે ઘર પાસે ફટાકડા ફોડવાને લઈ માથાકુટ ચાલતી હતી. વલી રાતે લાખાભાઇના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો. લાખાભાઇના પત્‍નિ સમજુબેનને મગજની સારવાર ચાલતી હોઇ તેઓ બિમાર હોઇ જેથી લાખાભાઇએ વલીને દૂર જઇ ફટાકડા ફોડવાનું કહેતાં બંને વચ્‍ચે ઝઘડો થયો હતો.  દેકારો થતા પડોશી રાજેશદાન નાંધુ બહાર નીકળ્‍યા હતાં અને પડોશીના નાતે લાખાભાઇ તથા વલીને છોડાવવા વચ્‍ચે પડયા હતાં. આ વખતે ઉશ્‍કેરાઇ ગયેલા વલીએ છરી કાઢી હુમલો કરી રાજેશદાનને છાતમાં ઘા ઝીંકી દેતાં તે ઢળી પડયા હતાં.