પોરબંદરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે ગ્રીન ઝોનમાં પણ ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમી દ્વારકાનો ગ્રીન ઝોન સમાવેશ થાય છે. ત્યારે હવે આ જિલ્લાઓમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. થોડા દિવસમાં મોરબી, અમરેલી, જૂનાગઢ અને દેવભૂમી દ્વારકામાં કોરોના કેસો આવી ગયા છે. જોકે, પોરબંદરમાં છેલ્લા 45 દિવસથી કોરોનાનો કેસ સામે આવ્યો નહોતો. ગઈ કાલે 45 દિવસ પછી કોરોનાનો કેસ સામે આવ્યો છે.


મળતી વિગતો પ્રમાણે મુંબઈથી આવેલા યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત તારીખ 8 મેના રોજ યુવાન મુંબઈથી આવ્યો હતો. યુવક રાજીવનગર વિસ્તારમાં રહે છે. પોરબંદરમાં અગાઉ કોરોનોના 3 કેસ સામે આવ્યા હતા. કોરોના મુક્ત થયેલા પોરબંદરમાં ફરી કોરોનાનો કેસ આવતાં હવે તમામ ગ્રીન ઝોનમાં આવેલા જિલ્લા ફરીથી કોરોનાગ્રસ્ત થયા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 9268 કેસો નોંધાયા છે. જેમાંથી 566 લોકોના મોત થયા છે. તેમજ 3562 લોકો સ્વસ્થ થયા છે. તેમજ 5140 કેસો હાલ એક્ટિવ છે. છેલ્લા 24 કલાકમાં 364 કેસો નોંધાયા હતા. તેમજ 29 લોકોના મોત થયા છે. જ્યારે 316 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 292 કેસો નોંધાયા છે.