Rajkot: સમગ્ર દેશમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ વરસાદ હવે આફત બની ગયો હોય એવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે. કપાસ મગફળી સહિતના પાકમાં સતત વરસાદના કારણે નુકસાન થયું છે. ભાદરકાઠાના ખેતરોમાં એકથી દોઢ ફૂટ સુધી ખેતરોમાં પાણી ભરેલા જોવા મળ્યા છે. ખેડૂતોએ કહ્યું કે, મગફળી અને કપાસના ભાગમાં 24 કલાક પાણી ભર્યું રહે એટલે પાક નિષ્ફળ જાય છે. મગફળીમાં સતત પાણી રહેવાના કારણે મૂળિયા સળી જાય છે. ખેડૂતોએ કહ્યું કે, કઠોળ ના પાકમાં પણ નુકશાન થયું છે. ખેતરોમાં અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલા જોવા મળ્યા છે.


સુરેન્દ્રનગરમાં નુકસાન


હળવદ નર્મદા વિભાગમાં ડી ૧૯ નંબરની પેટા કેનાલ નંબર ૪ થી ઓળખાય છે જેનું નું કામ ચોમાસામાં કરવામાં આવી રહ્યું છે ત્યારે કેનાલની આજુબાજુના ખેતરો અને વાડીઓમાં પાણી ભરાઈ રહ્યા છે. જેના કારણે અંદાજિત 200 થી 250 એકર જમીનમાં ઉભા પાકને મોટું નુકસાન થયું છે જ્યારે કોન્ટ્રાક્ટર કે કેનાલના અધિકારીઓ ફોન નથી ઉપાડતા અને ખેડૂતોને પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય કામ કરેલ નથી. જો સમયસર પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉભો પાક બળી જવાની ખેડૂતોને બીક છે.


રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.


ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી  કરવામાં આવી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial