રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે રાજકોટમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. જેને કારણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વસ્તીની દ્રષ્ટીએ રાજકોટમાં સૌથી વધુ સંક્રમણ હોવાનો આઇએમએ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજકોટમાં વકીલો પછી એસટી વિભાગના કર્મીઓ પણ કોરોનાગ્રસ્ત થયા છે.


રાજકોટમાં સતત કોરોનાનો કહેર યથાવત સરકારી કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એસ.ટી.ના કર્મચારીઓનું આરોગ્ય ચેકિંગ કરવામાં આવ્યું તથા કોરોના સંક્રમણને લઈને એસ.ટી.વિભાગના 300થી વધારે કર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 10 કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાંજ સુધી 450 લોકોના ટેસ્ટિંગનો અંદાજ છે. હજુ પોઝિટિવ કેસ વધવાની શક્યતા છે. નોંધનીય છે કે, આ પહેલા રાજકોટ એસટી ડિવિઝન ખાતે 15 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા..

કોર્ટ સંકુલમાં કરવામાં આવેલ ટેસ્ટમાં 8 વકીલો કોરોના સંક્રમિત થયા હોવાનું ખુલ્યું છે. 127 વકીલોના એન્ટીજન કીટ વડે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બાર કાઉન્સિલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન 26 લોકોના છે. રાજકોટ શહેરના 14, ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાના 6 લોકોનો સમાવેશ થાય છે. રોજેરોજ રાજકોટમાં સારવાર લઈ રહેલા સરેરાશ 25થી 30 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.

રાજકોટમાં કોરોના કાળ દરમિયાન 100 ડૉક્ટરો સંક્રમિત થયા છે. અનેક ડૉક્ટરો અને અરોગ્ય વિભાગ સાથે જોડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે, તેમ IMAના પ્રેસિડેન્ટ જય ધીરવાનીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. રાજકોટમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ફ્રન્ટ વોરિયર પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે, તેવી અપીલ પણ આઇએમએ દ્વારા કરવામાં આવી છે. ડોક્ટરો સંક્રમિત થાય એટલે IMA માટે ચિંતાનો વિષય છે. લોકો બેદરકાર થયા છે,. રાજકોટમાં લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનો રાજકોટ માટે અઘરો સાબિત થાય છે. ઓક્ટોબરમાં રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે, તેમ તેમણે જણાવ્યું હતું.