રાજકોટઃ રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં જિલ્લા કલેક્ટર લોકડાઉનના નિયમો આકરા બનાવી શકે છે. જિલ્લા કલેક્ટર સંપૂર્ણ નહીં પણ અંશતઃ લોકડાઉ લાદવાની જાહેરાત આજે બપોરે જ કરી દેશે એવી શક્યતા છે.


કલેક્ટર રાજકોટ જિલ્લામાં ચાની કિટલી અને પાનના ગલ્લા બંધ રાખવા નિર્ણય લે તેવી શક્યતા છે. સત્તાવલાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ અંગે જિલ્લા કલેક્ટર આજે બપોરે જાહેરનામું બહાર પાડશે. જિલ્લા કલેક્ટર 8 દિવસ માટે ચાની કિટલીઓ અને પાન ના ગલ્લા બંધ રાખવાનો નિર્ણય લેશે એવી શક્યતા છે. આ ઉપરાંત અન્ય દુકાનો પણ સવારે 7 થી 4 કલાક સુધી જ ખુલ્લી રાખવામાં આવી શકે છે એવી જાહેરાત પણ કરાય તેવી શક્યતા છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થયો છે.

ગઈ કાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 32 કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં નવા 10 કેસ નોંધાયા હતા. આમ, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં હાલ, 1865 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3921 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં 13 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.