રાજકોટ: શહેર નજીક આવેલા અને લોધિકા તાલુકાના પારડી ગામની મહિલાઓ આધુનિક યુગમાં પણ પાણીની સમસ્યાનો સામનો કરે છે. આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો હતો અને તમામ જળાશયો ભરાઇ ગયા હતા. આમ છતાં ઉનાળો શરૂ થતાં જ પાલડી ગામમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે પર આવેલા પારડી ગામમાં છેલ્લા 25 વર્ષથી પાણીની સમસ્યા છે. ગામ નજીક નર્મદાની લાઈન નીકળે છે આમ છતાં ગામને નર્મદાનું પાણી નથી મળતું.


 



ગામના લોકોને પાણી વેચાતું લેવું પડે છે. એમાં પણ આ વર્ષે પાણીના ભાવ વધ્યા છે. આ વર્ષે 400 રૂપિયાનો એક પાણીનું ટેન્કર પડે છે, જે ગયા વર્ષે 300 રૂપિયામાં આવતું હતું. મહિને આશરે 3000 રૂપિયાનું પાણી લાવવુ પડે છે ત્યારે ગામમાં રહેતા અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકોને પાણી લેવા માટે એક કિલોમીટર દૂર જવું પડે છે. જોકે ગામની મહિલાઓને આશા છે કે હવે નવા સરપંચ આવ્યા છે તે ગામની પાણીની સમસ્યા ઉકેલશે. તો બીજી તરફ ગામના સરપંચ કહ્યું છે કે તેઓ આ સમસ્યા ઉકેલવા માટે છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી મહેનત કરે છે અને તેમને આશા છે કે ટૂંક સમયમાં આ સમસ્યા ઉકેલાય જશે.


રાજ્યમાં લોકોને ગરમીથી નહી મળે રાહત


ગાંધીનગરઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહીને લીધે પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


એટલુ જ નહીં, હવામાન વિભાગે અમદાવાદમાં 26થી 28 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ એપ્રિલના છેલ્લા દસ વર્ષમાં બન્યુ નથી. આગામી બે દિવસમાં અમદાવાદમાં ઉનાળો રોદ્ર સ્વરૂપ દેખાડી શકે છે. શનિવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો સુરેંદ્રનગરમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો રાજકોટ, કેશોદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા નાગરિકો આકરા તાપમાં શેકાયા હતા.  ભૂજમાં ગરમીનો પારો 41.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદ અને વડોદરામાં ગરમીનો પારો 41.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. મહુવામાં ગરમીનો પારો 41.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. કંડલા એયરપોર્ટ પર ગરમીનું તાપમાન 41.2 ડિગ્રી નોંધાયુ હતુ. વલ્લભવિદ્યાનગર અને સુરતમાં ગરમીનો પારો 40.9 ડિગ્રી પર પહોંચ્યુ હતુ. વેરાવળમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. ડીસામાં ગરમીનો પારો 40.7 ડિગ્રી, ભાવનગરમાં ગરમીનો પારો 40.3 ડિગ્રી અને પોરબંદરમાં ગરમીનો પારો 40.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.