Rajkot International Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (27 જુલાઈ) ગુજરાતમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. સમાચાર એજન્સી ANI અનુસાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સંજીવ કુમારે માહિતી આપી હતી કે PM મોદી રાજકોટના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તેમણે બુધવારના (26 જુલાઈ) રોજ જણાવ્યું હતું કે, “આ એરપોર્ટ ઘણું મોટું અને સુંદર છે. અમે ખૂબ જ ખુશ છીએ કે પીએમ મોદી તેનું ઉદ્ઘાટન કરશે અને તેને ગુજરાતના લોકોને સમર્પિત કરશે.






એરપોર્ટની જાણકારી આપતા  સંજીવ કુમારે જણાવ્યું હતું કે, "એરપોર્ટના નિર્માણનો કુલ ખર્ચ આશરે 1,500 કરોડ રૂપિયા આવ્યો હતો. તેનો રનવે 3,000 મીટર લાંબો છે, તેથી મોટા વિમાનો અહીં ઉતરી શકે છે." ભવિષ્યમાં જરૂર જણાય તો તેમાં વધારો પણ કરવામાં આવશે.






વડાપ્રધાન કાર્યાલયે એરપોર્ટ વિશે આ વાત કહી


વડાપ્રધાન ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટમાં નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ સાથે સમગ્ર દેશમાં એર કનેક્ટિવિટી સુધારવાના પીએમના વિઝનને વેગ મળશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ કુલ 2500 એકરથી વધુ જમીન પર કરવામાં આવ્યો છે. તેમાં 1400 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. નવા એરપોર્ટમાં આધુનિક ટેકનોલોજી અને ટકાઉ સુવિધાઓ છે.


વધુમાં જણાવ્યું હતું કે ટર્મિનલ બિલ્ડીંગ ઈન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (GRIHA-4) માટે ગ્રીન રેટિંગ છે અને નવી ટર્મિનલ બિલ્ડીંગ (NITB) ડબલ ઈન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, સ્કાઈલાઈટ્સ, LED લાઈટિંગ, લો હીટ ગેઈન ગ્લેઝિંગ જેવી વિવિધ ટકાઉ સુવિધાઓથી સજ્જ છે.


પીએમ મોદીએ આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો


વડાપ્રધાન ઓફિસે કહ્યું કે નવું એરપોર્ટ માત્ર રાજકોટના સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગના વિકાસમાં ફાળો આપશે એટલું જ નહીં, સમગ્ર ગુજરાતમાં વેપાર, પ્રવાસન, શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રોને પણ પ્રોત્સાહિત કરશે. આ એરપોર્ટનો શિલાન્યાસ પીએમ મોદીએ 7 ઓક્ટોબર, 2017ના રોજ ગુજરાતના ચોટીલા નજીક હિરાસર ગામમાં ભૂમિપૂજન સમારોહ દરમિયાન કર્યો હતો.