રાજકોટ: કુવાડવા પોલીસ દ્વારા સાત હનુમાન નજીકથી ચોક્કસ બાતમીને આધારે હેંમત હમીરભાઈ વાટુકિયા પાસેથી રૂપિયા 1 લાખથી વધુની 2 હજારના દરની નકલી નોટ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમી પરથી હેમંત હમીરભાઈ વાટુકીયાને પકડી લેવામાં આવ્યો હતો. અંગજડતી દરમિયાન બે હજારના દરની નકલી નોટ મળી આવતા તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી મોબાઇલ ફોન પણ કબ્જે કરાયા છે. કોવિડ19 ટેસ્ટ બાદ ધરપકડ કરી પુછતાછ માટે રિમાન્ડ મેળવવામાં આવશે.


પ્રાથમિક પુછપરછમાં હેમંત વાટુકિયાએ જણાવ્યું હતું કે તે ઇમિટેશનનું કામ કરે છે. પણ લોકડાઉન પછી આ કામમાં સતત મંદી છે. હાલમાં સંતાન પણ બિમાર હોઇ તેની સારવાર માટે પૈસાની જરૂરી હતી. દેણું પણ થઇ ગયું હતું. મધ્યપ્રદેશનો એક શખ્સ દોઢ બે મહિને રાજકોટ આવતો હોઇ તેને પોતે ઓળખતો હોઇ પૈસાની ખેંચ અંગે વાત કરતાં એ શખ્સે પોતે નકલી નોટ આપશે તેમ કહ્યું હતું. બે-ત્રણ દિવસ પહેલા તે આ નકલી નોટ આપી ગયો હતો. આ નોટના બદલામાં તેને 20 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.

આ પછી પોતે આ નકલી નોટો પચાસ હજારમાં કોઇને આપવાનો હતો. પરંતુ ગ્રાહકને શોધવા નીકળ્યો ત્યાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હવે આ સમગ્ર કેસને લઈ પોલીસ ઉંડાણપૂર્વકથી તપાસ કરી રહી છે.