Rajkot News: રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અસામાજિક તત્વો પોલીસ પર હુમલો કરવા કે પોલીસ સાથે ઘર્ષણ કરતા હોય તો સામાન્ય લોકોની શું સ્થિતિ થતી હશે તેને લઈને સવાલો ઊભા થયા છે. શહેરના સ્વામિનારાયણ ચોકમાં જાહેરમાં અમુક તત્વો પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હતા ત્યારે પોલીસે રોકવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં નવ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાંથી બે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
રાવણ લખેલી બ્લેક ફિલ્મ વાળી કાર રાજકોટના સ્વામી નારાયણ ચોકના હિસ્ટ્રીશિટરોની છે. જેનો માલિક રોકી ઉર્ફે વિશાલ જોશી છે. શનિવારના રોજ વિશાલ જોશીનો જન્મદિવસ હતો, ત્યારે સ્વામિનારાયણ ચોકમાં આઠથી નવ શખ્સો દ્વારા રોડ પર કાર રાખીને જન્મદિવસની ઉજવણી કરતા હતા ત્યારે માલવીયા નગર પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ અહીં પહોંચીને આ શખ્સોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ શખ્શોએ પોલીસ સાથે ખરાબ વર્તન કરી અને પોલીસ સાથે જપાજપી કરી હતી.
ઉલ્લેખનિય છે કે આમ જનતાને તકલીફ ન પડે એટલા માટે પોલીસ દ્વારા જાહેરનામાઓ બહાર પાડવામાં આવતા હોય છે. જોકે કેટલાક શખ્સો માટે જાહેરનામાનો ઉલાળીયો કરવો તે જ તેમનો શોખ હોય છે .આવા તત્વો સમાજમાં પોતાનો રોફ જમાવવા માટે અવારનવાર જાહેરનામાનો ભંગ કરતા હોય છે. રાજકોટ પોલીસ અધિકારીઓ દ્વારા બે મહિલા સહિત કુલ 9 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. જોકે રોકી ઉર્ફે વિશાલ જોષી અને તેનો ભાઈ ફરાર થઈ ગયા છે.
રાજકોટ સ્વામિનારાયણ ચોક ખાતે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવાનોની સાથે પોલીસને ઘર્ષણ થયું હતું. આ અંગે રાજકોટ એસીપીએ જણાવ્યું હતું કે, વિશાલ જોશી નામના જન્મદિવસ હતો. તેઓ જાહેરમાં નિયમોનો ઉલાળીયો કરી જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. આ ગુનામાં બે મહિલા આરોપીની પણ પોલીસે અટકાયત કરી છે. મીતાબેન જોશી અને નયનાબેન જોશી નામની બે મહિલા આરોપીની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે માલવીયા પોલીસ સ્ટાફ આરોપીને ઝડપવાના પ્રયાસો હતા એ સમયે આ બે મહિલા આરોપીઓ વચ્ચે પડી હતી અને આરોપીને ભગાડવામાં મદદ કરી હતી.
પોલીસે વિશાલ જોશી, નયનાબેન જોશી, મિતાલીબેન જોશી, દર્શન નિલેશભાઈ ભટ્ટ, કિરીટ ઉર્ફે કિરો પીઠડીયા, વિનય ભટ્ટ,ગોપાલ બોળીયા ,પ્રતીક માંલમ સહીત શખ્સો સામે ગુનો નોંધ્યો છે. હાલ ચાર આરોપીની પોલીસે અટકાયત કરી છે જ્યારે અન્ય ફરાર આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે. પોલીસે કેટલીક લક્ઝરીયસ કારને પણ કબજામાં લીધી છે. આરોપી વિશાલે અગાઉ પણ 10 જેટલા ગુનામાં સંડોવાયેલો છે. આજે પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવવા રી કન્ટ્રક્શન પણ કર્યું હતું. ઘટના સ્થળ પર લઈ જઇ અને સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કરાયું હતું.
જાહેર રસ્તા પર કઈ રીતે મન ફાવે તેમ રસ્તો રોકીને રાત્રિના સમયે જન્મદિવસની આ અસામાજિક તત્વો ઉજવણી કરી રહ્યા છે. સમાજમાં ભય ફેલાવવા માટે અને રોફ જમાવવા માટે આ તત્વો રોડ પર આવા સીન સપાટા હોય છે. હાલ આ મામલે મુખ્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે ત્યારે રાજકોટ પોલીસે આવા અસામાજિક તત્વો ને પકડીને કાયદાનું ભાન કરાવવાની જરૂરિયાત છે.