રાજકોટ: રાજકોટમાં આજથી (8 સપ્ટેમ્બર) ફરજિયાત હેલ્મેટની નિયમની અમલવારી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મોટાભાગના ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરેલા કેમેરામાં કેદ થયા છે. રાજકોટ પોલીસે અલગ- અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે. સોરઠીયાવાળી સર્કલ, રિંગ રોડ, મવડી વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હેલ્મેટ ન પહેરવાને લઈ લોકો દ્વારા ગજબના બહાનાઓ આપવામાં આવતા હોય છે. પોલીસ જ્યારે વાહનચાલકો પાસે હેલ્મેટ માંગે છે ત્યારે વાહન ચાલકો કોઈને કોઈ બહાના બતાવતા હોય છે. હાલમાં આ પ્રકારના બહાનાઓ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે.
ટ્રાફિક પોલીસ દ્વારા ટૂવ્હીલર ચાલકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારે દંડ આપવાનું શરુ કર્યું છે. ખાસ કરીને જે લોકો હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવે છે, તેમને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી લોકોને હેલ્મેટ પહેરવા માટે સલાહ આપવામાં આવે છે. સલાહ બાદ પણ હેલ્મેટ ન પહેરતા હોય તેવા ટુ વ્હીલર ચાહકોને દંડ ફટકારવાનું શરુ કર્યું છે.
પોલીસ પકડે ત્યારે લોકો આવા બહાના બતાવતા હોય છે!
- બસ અહીં નજીકમાં જ જવાનું છે
- હેલ્મેટ માફક નથી આવતું ડોક્ટરે ના પાડી છે
- આટલામાં જ શાકભાજી લેવા ગયા હતા એટલે નથી પહેર્યું
- હેલ્મેટ સાચવવામાં તકલીફ પડે છે ક્યાં રાખવું
- હેલ્મેટ પહેરવાથી માથું દુખે છે
- કોઈ પહેરતું એટલે હું પણ નથી પહેરતો
- હેલ્મેટ પહેરવાથી ઝાંખુ દેખાય છે ક્લિયર વિઝન નથી આવતું
- હેલ્મેટના કારણે આજુબાજુમાં જોવામાં તકલીફ થાય છે
- અમારે છોકરા સાચવવા કે હેલ્મેટ સાચવવું
- પાછળ બેસે તેને ક્યાં હેલ્મેટની જરૂર છે
- આજે ખૂબ ઉતાવળ હતી એટલે ભૂલી ગયા
- હેલ્મેટ પહેરું તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે
વાહનચાલકોમાં ભારે રોષ
રાજકોટ શહેરમાં વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરતા અનેક વિસ્તારોમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવ્યા છે. વાહનચાલકો અને પોલીસ દ્વારા ઘર્ષણ થઈ રહ્યું છે. વાહનચાલકો સતત હેલ્મેટનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે શહેરમાં હેલ્મેટ ફરજિયાત ન હોવું જોઈએ. હાઈવે પર હેલ્મેટ પહેરવું જોઈએ.
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રેસ રિલીઝ દ્વારા હેલ્મેટ ફરજિયાત અંગે જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે, રાજકોટ શહેરી વિસ્તારમાં ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે વાહન ચાલક દ્વારા હેલ્મેટ ન પહેરવાના કારણે જીવલેણ માર્ગ અકસ્માતના બનાવો બની રહેલ છે. વર્ષ 2025માં ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવાના કારણે 20 ફેટલ અકસ્માતમાં 20 વ્યક્તિઓના મૃત્યુ અને 9 ગંભીર અકસ્માતમાં 10 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થયેલ છે. વાહન ચલાવતા સમયે લાઈસન્સ, પીયુસી કે અન્ય ડૉક્યુમેન્ટ ન હોવાથી માત્ર ટ્રાફિકના નિયમો ભંગ થાય છે, પરંતુ ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવાથી માણસોની અમૂલ્ય જીંદગી જોખમાય છે.