રાજકોટઃ ગુજરાતમાં રાજકોટમાં કોરોનાના મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. શહેરની પીડીયુ મેડિકલ કોલેજમાં કોરોના મૃતકના ડેડ બોડીના પીએમની મંજૂરી મળ્યા બાદ ઓટોપ્સી કરવામાં આવી હતી. જેમાં કોરોનાનો ભોગ બનેલા લોકોના ફેફસા, મગજ, લિવર સહિતના અંગો પર અસર થતી હોવાનું જાણવા મળ્યું છે.


રિસર્ચ માટે મગજ, ફેફ્સાં, યકૃત, કિડની, ફ્લૂડ, હૃદય, પેટમાં રહેલા પાણીના સેમ્પલ લેવામાં આવે છે. જે બાદ પરીક્ષણ કરવામાં આવે છે. સેમ્પલને ત્રણથી ચાર દિવસ સુધી કેમિકલમાં રાખવામાં આવે છે. તેનાથી તેની અંદર થનારા ફેરફાર કોરોનાને લીધે ફિક્સ થઈ જાય છે.

દેશમાં અત્યાર સુધીમાં માત્ર ભોપાલ એઇમ્સ ખાતે મૃતદેહની પેથોલોજિકલ ઓટોપ્સી કરવામાં આવી હતી.જેમાં માત્ર ફેફસાંના જ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટમાં થનારા રિસર્ચમાં કોરોનાથી મગજ, હાર્ટ, આંખ, પેશાબમાં અને પેટમાં તેમજ શરીરના અન્ય પાર્ટમાં કેવી અસર થાય છે તે જાણવા શરીરના અલગ અલગ અંગોમાંથી સેમ્પલ લઇ તેનું પૃથક્કરણ કરી સંશોધન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,12,336 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 3198 થયો છે. રાજ્યમાં હાલ 16 હજારથી વધારે એક્ટિવ કેસ છે.