- અગ્રણી પી.ટી. જાડેજા પર પાસા હેઠળ કાર્યવાહી, સામાજિક-રાજકીય વર્તુળોમાં હલચલ.
- વાયરલ ઓડિયો અને ફરિયાદના આધારે અટકાયત, સાબરમતી જેલ મોકલવાની પ્રક્રિયા શરૂ.
- ક્ષત્રિય સમાજમાં ઉગ્ર પ્રતિક્રિયા, બહુમાળી ભવન ખાતે વિરોધની રજૂઆત.
- ટીકુભા અને પદ્મિનીબાના વાળાની તીવ્ર ટિપ્પણીઓ, રાજકીય અસ્તિત્વ અંગે પ્રશ્નચિહ્ન.
- રાજકોટમાં પી.ટી. જાડેજાની અટકાયતથી સરકાર-સમાજ વચ્ચે તણાવ ઊભો.
PT Jadeja detention news: રાજકોટમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવનારી ઘટના બની છે. ક્ષત્રિય સમાજના અગ્રણી આગેવાન પી.ટી. જાડેજા ની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેમની અટકાયત બાદ રાજકોટ શહેર તાલુકા પોલીસે તેમને સાબરમતી જેલ મોકલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આરોપો અને વાયરલ ઓડિયો ક્લિપ
આ અટકાયત બે દિવસ અગાઉ વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપ અને ફરિયાદના આધારે કરવામાં આવી છે. નવજ્યોત પાર્કમાં રહેતા કારખાનેદાર જસ્મીન મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 20 એપ્રિલ ના રોજ પી.ટી. જાડેજા એ અમરનાથ મંદિરમાં આરતી ન કરવા બદલ ધમકી આપી હતી. એટલું જ નહીં, ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પી.ટી. જાડેજા મંદિર પાસે લાગેલા બેનર લઈ ગયા હતા અને શ્વાન લઈને આવીને લોકોને ડરાવતા હતા.
ક્ષત્રિય સમાજનો આક્રોશ અને પ્રતિક્રિયાઓ
પી.ટી. જાડેજા ની અટકાયત થતા જ ક્ષત્રિય સમાજ માં ભારે આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ના લોકો બહુમાળી ભવન ખાતે એકઠા થયા હતા અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
પદ્મિનીબા વાળા એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર પ્રહાર કરતા કહ્યું કે, "ગોંડલમાં આટલા બધા ગુના થાય છે તે સરકારને કેમ દેખાતા નથી?" તો સંકલન સમિતિના સભ્ય ટીકુભા જાડેજા એ જણાવ્યું કે, "ધમકીના ગુનામાં જો આ રીતે પાસા કરવામાં આવે તો રાજકોટની 50 ટકા જનતા પાસામાં હોય."
રાજપૂત કરણી સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે પણ સરકાર સામે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, "ક્ષત્રિય સમાજ ને આવી રીતે દબાવવાથી ક્ષત્રિય સમાજ દબાશે નહીં." આ ઘટનાએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે નવા સંઘર્ષની સ્થિતિ ઊભી કરી છે.