જામનગર: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થઈ છે. દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા, ઓખા સહિત જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં તો મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા અને ચાર ઈંચ પાણી વરસાવી દીધુ હતું. જેના કારણે મોટાભાગના રોડ- રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ભાણવડ અને ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે દ્વારકાના ભદ્રકાળી ચોક, નવી નગરપાલિકા, ઈસ્કોન ગેટ, નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતાં.
સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના પલસાણા તાલુકામાં 4.68 ઈંચ નોંધાયો છે. દેવભુમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં - 3.97 ઈંચ વરસાદ નોંધાયો છે. દેવભુમિ દ્વારકા તાલુકામાં - 3.30 ઈંચ વરસાદ નોંધાયો છે.
સુરત પર આજે સવારથી જ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયા છે. સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા છે. વરસાદના વિરામના કલાકો બાદ પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી. સુરતના પોશ ગણાતા વીઆઈપી રોડના જ્યાં ભગવાન મહાવીર કોલેજ રોડ પાસે પાણી ભરાઈ ગયા છે. વીઆઈપી રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં હાલમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યુ છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અમુક સ્થળ પર ભારે વરસાદ પડી શકે છે.