રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 14 હજારથી વધારે કેસ નોંધાયા હતા. રાજ્યમાં અમદાવાદ અને સુરતની હાલત સૌથી ખરાબ છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં 24 કલાકમાં 66 દર્દીઓના મોત થયા છે. આ તમામ દર્દીઓ કોરોનાની સારવાર લેતા હતા. જોકે તેમના મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. ગઈકાલે 52 દર્દીના મોત થયા હતા, જે પૈકી 12 દર્દીના કોવિડથી મોત થયા હોવાનો ડેથ ઓડિટ કમિટીએ રિપોર્ટ આપ્યો હતો.
રાજકોટ માટે શું છે રાહતના સમાચાર
કોરોનાના વધતા કહેર વચ્ચે રાજકોટ માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સિવિલ હૉસ્પિટલની બહાર રોજ એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી. પરંતુ આજે એક પણ એમ્બ્યુલન્સની લાઈનમાં જોવા મળી રહી નથી. દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવા માટે રાહ જોવા પડી રહી નથી. 15 દિવસ બાદ એકપણ દર્દી દાખલ માટે લાઈનમાં જોવા નથી મળ્યો. સાથે જ મંગળવારની તુલનામાં બુધવારે રાજકોટમાં 100 કેસ ઓછા નોંધાયા છે. રાહતની વાત તે છે કે વધુ 692 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. સાથે જ હૉસ્પિટલની બહાર લાગતી એમ્બ્યુલન્સની કતારો પણ જોવા મળી રહી નથી.
અત્યાર સુધીમાં રાજકોટમાં 32297 કેસ નોંધાયા છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4275 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 692 દર્દી કોરોનામુક્ત થયા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસની સંખ્યા સ્થિર થઈ છે. બુધવારે રાજ્યમાં 14120 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 174 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6830 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં બુધવારે 8595 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી3,98,824 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 લોકો વેન્ટિલેટર પર અને 1,32,770 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.01 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,64,559 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,93,303 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,17,57,862 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.