Rajkot News: યુવાનોમાં નાની વયે હાર્ટએટેકની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં અઠવાડિયામાં બીજી વખત એક વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું હતું. રાજકોટની SGVP ગુરુકુળમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્ટેજપર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતો દેવાંશ વિંટુભાઈ ભાયાણી સ્પીચ આપતો હતો ત્યારે બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. હાલ મૃતદેહ PM માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
થોડા દિવસ પહેલા એન્જિનયિરિંગ કોલેજના વિદ્યાર્થીનું થયું હતું મોત
થોડા દિવસ પહેલા રાજકોટમાં કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. યુવાન VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. કલ્પેશ મૂળ તાપી જિલ્લાનો હતો પરંતુ રાજકોટમાં અભ્યાસ કરતો હતો. કોલેજના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ દેવાંગ પારેખે કહ્યું હતું કે વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો. તે ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે પહોંચે તે પહેલા તેનું મૃત્યુ થયું હતું. યુવાનના પિતા વ્યારાના બાજીપુરા ગામમા કરિયાણાની દુકાન ચલાવે છે. કલ્પેશ પ્રજાપતિના પરિવારમાં માતા પિતા અને એક મોટા બહેન છે. વીવીપી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
તાજેતરમાં વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઈનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. 45 વર્ષીય પીએસઆઈ કે.એન.કલાલને થોડા દિવસ પહેલા સવારે હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું. તેઓ છેલ્લા 10 મહિનાથી વિરમગામ શહેરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અમદાવાદ શહેર એસોજીમાં પણ સેવા આપી ચૂક્યા હતા. તેમના નિધનથી પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નવસારીમાં હાર્ટ એટેક આવતા 17 વર્ષીય વિદ્યાર્થિનીનું મૃત્યું થયું હતું. એ.બી.સ્કૂલમાં રિસેસ દરમિયાન 12માં ધોરણમાં અભ્યાસ કરતી તનિષા નામની વિદ્યાર્થિનીને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઈ ગઈ હતી. વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થીને ખેંચ આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.