Rajkot: રાજકોટમાં ફરી એકવાર મોટી ગુનાખોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે આજે સવારે એક શખ્સને નકલી ચલણી નોટો સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ શખ્સ પાસેથી લગભગ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.


રાજકોટમાં SOGએ બાતમીના આધારે આજે સવારે મોટી કાર્યવાહી કરી હતી, રાજકોટનો શખ્સ એક્ટિવા લઇને રાજકોટથી જસદણ નકલી ચલણી નોટોની હેરાફેરી કરી રહ્યો હતો, અને જ્યારે તે પોતાની એક્ટિવ લઇને જસદણમાં નકલી ચલણી નોટો વટાવવા આવી રહ્યો હતો ત્યારે જ બાતમીના આધારે SOG ગઢડીયા ચોકડી નજીકથી દબોચી લીધો હતો. રાજકોટના આ શખ્સ 29 વર્ષનો છે અને તેનું નામ વિશાલ ઉમેશભાઈ પડીયા. પોલીસે પકડ્યાં બાદ આરોપી પાસેથી 30 જેટલી 500ના દરની નકલી ચલણી નોટો મળી આવી હતી. SOG પોલીસે શખ્સ પાસેથી એક્ટિવા, મોબાઈલ, નકલી ચલણી નોટ, રોકડ રકમ સહિત કુલ 25000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ જસદણ પોલીસ મથકમાં ગુનો નોંધી નકલી ચલણી નોટો મામલે તપાસ હાથ ધરી છે.


ચડ્ડી-બનિયાનધારી ગેન્ગનો રાજકોટમાં આતંક


રાજકોટમાં ફરી એકવાર ચડ્ડી-બનિયાનધારી ગેન્ગનો આતંક સામે આવ્યો છે. આ ગેન્ગે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં તરખાટ મચાવી દીધો છે, અને લગભગ અઢી લાખથી વધુની માલ મત્તા ચોરીને ફરાર થઇ ગઇ છે. હાલમાં આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. રાજકોટમાં ચડ્ડી-બનિયાનધારી ગેન્ગે આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે, ઔદ્યોગીક વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી ચોર ઠેર ઠેર ચોરી ત્રાટકી રહી છે, આ ગેન્ગે અત્યારે સુધી ચાર કારખાના સહિત 6 સ્થળો પરથી 2.17 લાખની રોકડ સહિત મત્તાની ચોરી કરી દીધી છે. રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક કારખાનામાંથી 1.80 લાખની ચાંદીની ચોરી કરી હતી, તેની બાજુમાં આવેલા ક્રિષ્ના એગ્રોમાંથી 15 હજાર રોકડની ચોરી કરી હતી. આ ઉપરાંત ગઢકા ગામમાં એક કારખાનામાંથી 22 હજારની રોકડની ચોરી કરી છે. તેમજ ગઢકા ગામમાંથી જ સુરાપુરા દાદાના મંદિરની તિજોરી ઉઠાવી ગયા હતા 


રાજકોટમાં 14 મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ


રાજકોટમાંથી વધુ એકવાર ક્રાઇમની હાઇ પ્રૉફાઇલ ઘટના સામે આવી છે. રાજકોટમાં પોલીસના દરોડામાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ છે, અહીં એક મકાનમાં જુગારધામ ચાલતુ હતુ, પોલીસની દરોડા દરમિયાન અહીંથી જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. માહિતી પ્રમાણે, રાજકોટમાં ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવતા મોટી કાર્યવાહી કરી હતી, આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જુગારના અડ્ડાઓ દરોડા પાડ્યા હતા. ખાસ વાત છે કે, જ્યારે પોલીસે દરોડા પાડ્યા તે સમયે રાજકોટમાં આજી ડેમ પાસે માનસરોવર પાર્કમાં એક મકાનમાં મહિલાઓ દ્વારા સંચાલિત જુગારધામ પકડાયુ હતુ, આ જુગારધામમાંથી 14 મહિલાઓ રંગેહાથે ઝડપાઇ હતી. આ જુગારધામ એક મકાનમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતુ હતુ.