રાજકોટ: ખોડલ ધામ મંદિર ખાતે પાસ આગેવાન અને નરેશ પટેલ વચ્ચે બેઠક શરૂ થઈ છે. બંધ બારણે બેઠક ચાલી રહી છે. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાને લઈને ચર્ચા થશે. નરેશ પટેલ અને પાસ આગેવાન અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો વચ્ચે બેઠક ચાલી રહી છે. અલ્પેશ કાથીરિયા, દિનેશ બાંભણીયા,ધાર્મિક મલાવીયા ખોડલધામ ખાતે હાજર છે. આજની બેઠકમાં પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા મહત્વની ચર્ચા થશે.
પાટીદાર આંદોલન સમયના કેસ પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી છે. 23મી માર્ચ સુધીમાં કેસ પરત ખેંચવાનો નિર્ણય નહીં થાય તો હાર્દિક આંદોલન કરશે. પાટીદાર ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને રજૂઆતો કરીશું, તેમ હાર્દિકે કહ્યું હતું. હાર્દિકે ઉમેર્યું હતું કે, 6 માર્ચથી સંઘર્ષના સાથી તરીકેનો સમાજ કાર્યક્રમ કરાશે. પાટીદારો વિરુદ્ધના કેસ પાછા ખેંચવાનું 23 માર્ચ સુધી હાર્દિક પટેલે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.
હાર્દિકે કહ્યું કે, મારા સિવાયના તમામ કેસ પરત ખેંચ તેવી મારી વિનંત છે. જેમના પર કેસ થયા છે, તે સરકારી નોકરી માટે અરજી નથી કરી શકતા. આંદોલનથી ગુજરાતના તમામ વર્ગના લોકોને લાભલ મળ્યા. પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચવા નરેશ પટેલ પણ રજૂઆત કરી ચૂક્યા છે. આંદોલન સમયના કેસ પરત ખેંચવા પાટીદાર સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી છે. હજુ પણ રાજ્યથી ચારથી પાંચ હજાર પાટીદારો સામે કેસ પાછા ખેંચાયા નથી.
મુખ્યમંત્રી અને સીઆર પાટીલે વચન આપ્યા બાદ પણ કેસ પાછા ખેંચાયા નથી. પાટીદાર ધારાસભ્યો અને સાંસદ સભ્યોની રજૂઆત બાદ પણ કેસ પરત ખેંચાયા નથી. સાસંદ રમેશ ધડૂકે પણ પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની રજૂઆત કરી હતી. રાજ્યની ભાજપ સરકાર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરે છે. મારી સામે દ્વેશભાવ હોય તો કેસ પરત ન ખેંચો, પરંતુ અન્ય સામેને કેસ પાછા ખેંચો. 23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસ પરત નહીં ખેચાય તો અમે આંદોલન કરીશું.
કોગ્રેસ નેતા હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી સરકાર અને રાજકોટ પોલીસ પર પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે ચૂંટણી આવી રહીં છે, ભાજપના નારાજ નેતાઓ પણ કોંગ્રેસમાં આવશે. ઘણા ભાજપના પૂર્વ મંત્રીઓ નારાજ છે. તાજેતરમાં જ કોગ્રેસ છોડનારા જયરાજસિંહને લઇને હાર્દિકે કહ્યું કે જયરાજસિંહ પાર્ટીના ખૂબ જ સારા પ્રવક્તા હતા. રાજ્યના ઘણા મુદ્દાઓથી જનતા કંટાળી ગઇ છે. જયરાજસિંહના પક્ષ છોડવા પર મારે કંઇ કહેવુ નથી. વિપક્ષમાં રહીને કોઇ પણની અપેક્ષા પૂરી કરવી ખૂબ જ અઘરી છે. કોગ્રેસ છોડીને ગયેલા નેતાઓની હાલત શું છે તે બધા જાણે છે.