Rajkot: રાજકોટમાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરમાં નબીરાએ કારથી અકસ્માતની હારમાળા સર્જી હતી.  સહકાર મેઈન રોડ પરના ત્રિશુળ ચોક પાસે બેકાબૂ કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી.  કાર ચાલકે વાહનોની સાથે વૃદ્ધ, રાહદારી યુવાન અને બે વિદ્યાર્થિનીઓને એડફેટે લીધા હતા.


સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. અકસ્માત બાદ ભક્તિનગર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી  હતી.


સીસીટીવી કેમેરામાં જોઇ શકાય છે કે GJ-03-MH-4905 નંબરની કારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જીને નબીરો ફરાર થઇ ગયો હતો. બલેનો કાર ચાલકને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી.


બીજી તરફ મહેસાણાના ઉંઝા-મક્તુપુર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટેમ્પો ચાલકે બે રાહદારીની ટક્કર મારી હતી. ટેમ્પોની ટક્કરથી એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બાદ ટેમ્પો ચાલાક ટેમ્પો લઈને ફરાર થઇ ગયો હતો.


થોડા દિવસ અગાઉ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ નજીક  અકસ્માતની ઘટના બની હતી. ખાનગી લકઝરી બસ પલ્ટી મારી ગઈ હતી. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી લક્ઝરી બસે પલટી મારી હતી. નડિયાદ નજીક આ અકસ્માતની ઘટના બની છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.


હાલ ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  અક્સ્માતની જાણ થતા જ ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.  એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગ જી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.  બસમાં સવાર પેસેન્જરને બહાર કાઢવા માટે એક્ષપ્રેસ હાઇવેની ટીમ કામે લાગી હતી.