જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના વંથલી- કેશોદ રોડ પર ઓઝત નદીના પૂલના રોડમાં બે કાર સામ-સામે અથડાતા રાજકોટના ASIનું મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં ચાર વ્યકિતઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને જુનાગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વંથલી-કેશોદ હાઈવે પર ગઈકાલે બપોર બાદ પૂલ પરથી પસાર થતી બે કાર સામસામે અથડાતા કુલ સાત વ્યકિતઓને ઈજા પહોંચી હતી.
આ અકસ્માતમાં રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા અને હાલ બીમારીના કારણે રજા ઉપર રહેલા ASI પંકજભાઈ દીક્ષીત (ઉ.54)ને ગંભીર ઈજા થતા તેમનું મોત થયું હતું. વંથલી અકસ્માતમાં જેમનું મોત થયું તેઓ પંકજભાઈ દીક્ષીત આજી ડેમ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હતા. થોડા સમય પહેલા જ થોરાળા પોલીસ મથકમાં બદલી થઈ હતી.
પૂલ પરનો રસ્તો વનવે હોય જેમાં વાહનો સ્પીડમાં આવતા હોય જેથી વારંવાર અકસ્માત સર્જાય છે. હાઈવે ઓથોરીટી ટોલટેક્ષ વસુલ કરે છે પરંતુ વર્ષોથી પૂલનું કામ ગોકળ ગતીએ ચાલી રહ્યું છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ, 17 અધ્યાપકોના નામોના ગોટાળા મામલે સરકારે ખુલાસો માગ્યો
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે અધ્યાપકોને લઈને વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 17 અધ્યાપકોના નામોના ગોટાળા મામલે ખુલાસો સરકારે યુનિવર્સિટીને નોટિસ આપી છે. જે કોલેજોમાં નામ છે તેને બદલે અન્ય કોલેજોમાં ફરજ બજાવતા હોવાનું યુનિવર્સિટીના ચોપડે સામે આવ્યું હતું. જ્યારે ત્રણ અધ્યાપકો મૃત્યુ પામ્યા હોવા છતાં માન્ય અધ્યાપકોની યાદીમાં જીવંત બતાવવામાં આવ્યા છે.
એચ.એન.શુક્લ કોલેજના 5 પ્રોફેસરો અન્ય જગ્યાએ ફરજ બજાવે છે અને 2 પ્રોફેસરોના મૃત્યુ થયા છે. ટી.એન.રાવ કોલેજમાં સાયન્સ વિદ્યાશાખાના અધ્યાપક તરીકે ડો. નિદત બરોટનું નામ બોલતું હોવાથી નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખોટી માહિતી જાહેર કરતી હોવાનો આરોપ લગાવ્યો છે.
હરિવંદના કોલેજના પ્રોફેસરે રાજીનામુ આપી દીધું છતાં યુનિવર્સિટીના ચોપડે પ્રોફેસર કાર્યરત હોવાનું સામે આવ્યું છે. સ્વ. જયેશ પટેલ, સ્વ.નીતિન પોપટ અને સ્વ. ચેતન ઉપાધ્યાયના મૃત્યુ થયા છતાં કોલેજોમાં તેના નામ બોલતા હોવાથી સરકાર હરકતમાં આવી છે.
ઉચ્ચ શિક્ષણ વિભાગે હકીકત લક્ષી અહેવાલ મંગાવતા કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીની સૂચના મુજબ રજિસ્ટ્રાર દ્વારા સરકારમાં અહેવાલ મોકલાયો છે.