RAJKOT : રાજકોટ  જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ તો સારો વરસ્યો હતો અને એટલે જ જિલ્લાના તમામ જળાશયો છલોછલ થઈ ગયા હતા.તેમ છતાં હાલ હજુ ઉનાળાનો પ્રારંભ જ થયો છે ત્યાં જસદણ તાલુકા નજીક આવેલા આટકોટમાં પાણીનો પોકાર શરૂ થયો છે.આ સ્થિતિ પ્રશાસનના પાપે નિર્માણ પામી છે.ત્રણ મોટા પાણીના ટાંકા હોવા છતાં નપાણિયા પ્રશાસનના કારણે ત્રણેય પાણીના મોટા ટાંકાઓ ખાલીખમ છે. 


આઠ દિવસે એક જ વાર પાણી મળે છે
આટકોટના કૈલાશ પ્લોટ વિસ્તારમાં તો હાલ પાણીની મહાસમસ્યા સર્જાઈ  છે. અહીંની  મહિલાઓનો દાવો છે કે આઠ દિવસે એક જ વાર પાણી મળે છે અને તે પણ માંડ 30 મીનિટ.અડધો કલાક પાણી પણ પૂરતા ફોર્સથી નથી આવતું. અઠવાડિયે આવતું પાણીમાંથી માંડ પીવા પૂરતુ જ થાય છે.વાસણ અને કપડા ધોવાનું પાણી ન મળતા મહિલાઓને હાલ એક કિમી દૂર જવું પડતું હોવાનો મહિલાઓનો દાવો છે.


ખરીદવું પડી રહ્યું છે પીવાનું પાણી
તો છેવાડાના વિસ્તારના લોકોને તો જો ચાર દિવસે પાણી પૂર્ણ થઈ જાય તો નાછૂટકે પીવાનું પાણી પણ ખરીદવું પડી રહ્યું છે.સ્થાનિકોનો દાવો છે કે હાલ મજૂરીકામ છોડીને સવારે પાણી શોધવા જવું પડે છે.આટકોટ ગામમાં 15 હજારની વસ્તી છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાના ગામથી આટકોટ માત્ર છ કિમી જ દૂર છે.


પાણીના ત્રણ ટાંકા શોભાના ગાંઠિયા સમાન 
પાણી સ્ટોરેજની વ્યવસ્થા નથી તેવું પણ નથી,  કૈલાશ પ્લોટ વિસ્તારમાં 23 લાખના ખર્ચે ત્રણ પાણીના ટાંકાઓ બનાવાયા છે. પરંતું ટાંકાને પાણીથી ભરવા વીજળીની જરૂર છે. પરંતું વીજળી કનેકશન જ મળ્યું નથી.વીજળી કનેકશનના વાંકે પાણીના ટાંકા ભરી શકાતા નથી.હાલ પાણી ન ભરાતા ટાંકા જર્જરિત થવા લાગ્યા છે.23 લાખ રુપિયાના અધધ ખર્ચે બનેલી પાણીની ટાંકી માંડ એક વાર જ ભરાઈ હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું હતું