Rajkot: રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. અહીં આત્મીય યૂનિવર્સિટીમાંથી ઉચાપત મામલો સામે આવ્યો છે. રાજકોટમાં આત્મીય યૂનિવર્સિટીમાં 33 કરોડની ઉચાપત થયાની ફરિયાદ નોંધાઇ છે, આ 33 કરોડની ઉચાપતને લઇને આત્મીય યૂનિવર્સિટીના ત્યાગ વલ્લભદાસ સહીતના બીજા કેટલાક લોકો વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. 


રાજકોટમાં આત્મીય યૂનિવર્સિટી વિવાદોમાં આવી છે, આ વખતે ઉચાપતની ફરિયાદના કારણે વિવાદમાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આણંદના બારકોલમાં રહેતા પવિત્ર હર્ષદરાય જાનીએ ઉચાપત થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. તેમને આત્મીય યૂનિવર્સિટીના સાધુ ત્યાગ વલ્લભદાસ ધર્મેશ જીવાણી અને તેમની પત્ની વેશાખીબેન જીવાણી અને નિલેશ મકવાણા વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટમાં ચાલતી સંસ્થામાં 33 કરોડ રૂપિયાની ઉચાપતમાં બેન્કમાં કર્મચારીઓના ભૂતિયા ખાતા ખોલાવી રકમ ટ્રાન્સફર કરી હોવાનો આરોપ છે. હરિધામ સોખડાના સ્વામી હરીપ્રસાદ દાસજીના અવસાન બાદ તમામ ટ્રસ્ટોમાં મોટી નાણાકીય ગરબડ આચરીને મોટી ઠગાઈ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાલુકા પોલીસમાં આત્મીય યૂનિવર્સિટીના સાધુ ટીવી (ત્યાગ વલ્લભ સ્વામી) ધર્મેશ જીવાણી, વેશાખી ધર્મેશ જીવાણી વિરુદ્ધ ફરિયાદ થતા ભારે ચર્ચા જાગી છે, તેમને ડમી કંપની ઉભી કરી કરોડો રૂપિયાની હેરફેર કરી હોવાની વાત પણ ચર્ચાએ ચઢી છે. 


ખાસ વાત છે કે, આ આત્મીય યૂનિવર્સિટી સર્વોદય કેળવણી ટ્રસ્ટ હેઠળ ચાલે છે. ફરિયાદી પવિત્ર જાની હરીપ્રસાદ સ્વામીના તાબામાં તેઓએ સન્યાસ લીધો હતો અને તેઓ 28 વર્ષ હરિપ્રસાદ સ્વામીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા છે, આત્મીય ટ્રેક ઉત્કૃષનું ભૂતિયું ખાતું ખોલાવ્યું હતું, આત્મીય યૂનિવર્સિટીના કર્તાહર્તા ટીવી સ્વામી સહિત ચાર વિરુદ્ધ 33 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.


 


પૂર્વ કોર્પોરેટના પુત્ર દ્વારા નશામાં ફાયરિંગની ઘટના બાદ ભાજપ શહેર પ્રમુખે હોદ્દેદારોને શું કર્યો આદેશ ?


રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જાહેર શૌચાલય પાસે શહેર યુવા ભાજપના મંત્રી અને પૂર્વ કોર્પોરેટરના પુત્ર કરણ રાજુભાઈ સોરઠિયાએ બે રાઉન્ડ હવામાં ફાયર કરતા દોડધામ મચી જવા પામી હતી. જેને લઇ ભક્તિનગર પોલીસે આરોપી કરણ સોરઠિયા સામે ગુનો નોંધ્યો હતો. યુવા નેતા દારૂ પીધેલી હાલતમાં હોવાનો રિપોર્ટ આવતા તેની સામે વધુ એક પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણને લઈ ભાજપની આબરૂ ખરડાઈ છે. જેને લઈ રાજકોટ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી દ્વારા હોદ્દેદારોને બંદૂકનો દેખાડો ન કરવા અને વાહન ઉપર હોદ્દાના બોર્ડ હટાવી લેવા તાકીદ કરવામાં આવી છે. નવ નિયુક્ત પ્રમુખ દ્વારા તમામ કાર્યકરો, આગેવાનોને આ જાણ કરી દેવામાં આવી છે. પ્રમુખનો આદેશ કોણ અને કેટલો માને છે તે જોવાનું રહ્યું.


શૌચાલયની બાબતમાં મામલો બિચક્યો હતો


રાજકોટના સોરઠિયાવાડી વિસ્તારમાં થોડા દિવસ પહેલા મોડી રાત્રે બનેલી ફાયરિંગની ઘટના સમયનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિના હાથમાં રિવોલ્વર છે અને તે તેના પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યાનું જણાવી રહ્યો છે. તેને યુવા નેતાના હાથમાંથી બંદૂક ઝૂંટવી પોલીસને સોંપી હતી. કરણ સોરઠિયા નામના યુવા ભાજપના આગેવાને નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાવતા વનરાજ ચાવડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના સમયે સોરઠિયા વાડી સર્કલ ખાતે આવેલ અમારી ડિલક્સ પાનની દુકાન પર હું હાજર હતો. ત્યારે દુકાનની સામે આવેલ શૌચાલય બંધ હોવાથી શૌચાલયનું સંચાલન કરતા પરપ્રાંતીય વ્યક્તિ સાથે કરણ સોરઠિયા બોલાચાલી કરી કેમ બંધ કરી દીધું તેમ કહી ઝઘડો કરી રહ્યો હતો. આ દરમિયાન મેં કરણ સોરઠિયાને ઝઘડો ન કરવા સમજાવટ કરી હતી. આ સાથે જ રાબેતા મુજબના સમયે બંધ થઇ જાય છે, તેવું કહેતા આ બાબતનો ખાર રાખી તેમને મારી દુકાન પાસે આવી પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવા કોશિશ કરી હતી. જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી.


કારમાંથી શું મળ્યું હતું ?


ભક્તિનગર પોલીસે આરોપી કરણ રાજુભાઈ સોરઠિયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. કરણ સોરઠિયા નશાની હાલતમાં હોવાની પોલીસને શંકા જતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત વધુ એક ગુનો નોંધ્યો હતો. કરણ સોરઠિયા જે કાર લઇને આવ્યો હતો, તેમાં યુવા ભાજપ શહેર મંત્રી લખેલી નેમ પ્લેટ પણ મળી આવી હતી અને કારમાં નંબર પ્લેટ જોવા મળી ન હતી. કરણ સોરઠિયાનાં માતા તેમજ પિતા બન્ને પૂર્વ કોર્પોરેટર હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે સામાન્ય પ્રજાને દંડતી રાજકોટ પોલીસ નેતાઓ સામે કાર્યવાહી કરતા કેમ અચકાય છે તેવા સવાલો જનતામાં ઉદભવી રહ્યા છે.