Rajkot News: રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જાહેર શૌચાલય પાસે શહેર યુવા ભાજપના મંત્રી અને પૂર્વ કોર્પોરેટરના પુત્ર કરણ રાજુભાઈ સોરઠિયાએ બે રાઉન્ડ હવામાં ફાયર કરતા દોડધામ મચી જવા પામી હતી. જેને લઇ ભક્તિનગર પોલીસે આરોપી કરણ સોરઠિયા સામે ગુનો નોંધ્યો હતો. યુવા નેતા દારૂ પીધેલી હાલતમાં હોવાનો રિપોર્ટ આવતા તેની સામે વધુ એક પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણને લઈ ભાજપની આબરૂ ખરડાઈ છે. જેને લઈ રાજકોટ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી દ્વારા હોદ્દેદારોને બંદૂકનો દેખાડો ન કરવા અને વાહન ઉપર હોદ્દાના બોર્ડ હટાવી લેવા તાકીદ કરવામાં આવી છે. નવ નિયુક્ત પ્રમુખ દ્વારા તમામ કાર્યકરો, આગેવાનોને આ જાણ કરી દેવામાં આવી છે. પ્રમુખનો આદેશ કોણ અને કેટલો માને છે તે જોવાનું રહ્યું.


શૌચાલયની બાબતમાં મામલો બિચક્યો હતો


રાજકોટના સોરઠિયાવાડી વિસ્તારમાં થોડા દિવસ પહેલા મોડી રાત્રે બનેલી ફાયરિંગની ઘટના સમયનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિના હાથમાં રિવોલ્વર છે અને તે તેના પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યાનું જણાવી રહ્યો છે. તેને યુવા નેતાના હાથમાંથી બંદૂક ઝૂંટવી પોલીસને સોંપી હતી. કરણ સોરઠિયા નામના યુવા ભાજપના આગેવાને નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાવતા વનરાજ ચાવડાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના સમયે સોરઠિયા વાડી સર્કલ ખાતે આવેલ અમારી ડિલક્સ પાનની દુકાન પર હું હાજર હતો. ત્યારે દુકાનની સામે આવેલ શૌચાલય બંધ હોવાથી શૌચાલયનું સંચાલન કરતા પરપ્રાંતીય વ્યક્તિ સાથે કરણ સોરઠિયા બોલાચાલી કરી કેમ બંધ કરી દીધું તેમ કહી ઝઘડો કરી રહ્યો હતો. આ દરમિયાન મેં કરણ સોરઠિયાને ઝઘડો ન કરવા સમજાવટ કરી હતી. આ સાથે જ રાબેતા મુજબના સમયે બંધ થઇ જાય છે, તેવું કહેતા આ બાબતનો ખાર રાખી તેમને મારી દુકાન પાસે આવી પોતાની પરવાનાવાળી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવા કોશિશ કરી હતી. જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી.


કારમાંથી શું મળ્યું હતું ?


ભક્તિનગર પોલીસે આરોપી કરણ રાજુભાઈ સોરઠિયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. કરણ સોરઠિયા નશાની હાલતમાં હોવાની પોલીસને શંકા જતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત વધુ એક ગુનો નોંધ્યો હતો. કરણ સોરઠિયા જે કાર લઇને આવ્યો હતો, તેમાં યુવા ભાજપ શહેર મંત્રી લખેલી નેમ પ્લેટ પણ મળી આવી હતી અને કારમાં નંબર પ્લેટ જોવા મળી ન હતી. કરણ સોરઠિયાનાં માતા તેમજ પિતા બન્ને પૂર્વ કોર્પોરેટર હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે સામાન્ય પ્રજાને દંડતી રાજકોટ પોલીસ નેતાઓ સામે કાર્યવાહી કરતા કેમ અચકાય છે તેવા સવાલો જનતામાં ઉદભવી રહ્યા છે.