રાજકોટમાં સ્થાનિક ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) માં ટિકિટ ફાળવણીને લઈને મોટો અસંતોષ અને બળવાનો માહોલ જોવા મળી રહ્યો છે. પાર્ટીમાં કોઈ મોટું નુકસાન ન થાય અને નારાજ નેતાઓને સમયસર મનાવી શકાય તે માટે ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજકોટમાં ધામા નાખ્યા છે અને ડેમેજ કંટ્રોલની કામગીરી શરૂ કરી દીધી છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા દિગ્ગજ નેતાઓ, કાર્યકર્તાઓ અને વિવિધ સમાજના આગેવાનોને શાંત કરવા માટે હાલ શહેરમાં બંધ બારણે ગુપ્ત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

'મામા' ને મનાવવા ઘરે પહોંચ્યા દિગ્ગજો

રાજકોટ ભાજપના સિનિયર નેતા જ્યોતિન્દ્ર મહેતા (જેઓ શહેરમાં 'મામા' તરીકે જાણીતા છે) ના પુત્ર રાહુલ મહેતાએ આ વખતે ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી હતી. પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ ન આપતા ભારે નારાજગી વ્યાપી ગઈ છે. 'મામા' ની નારાજગી ચૂંટણીમાં ભારે ન પડે તે માટે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સીધા જ જ્યોતિન્દ્ર મહેતાના ઘરે પહોંચ્યા હતા અને એક મહત્વની ગુપ્ત બેઠક કરી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, સાંસદ રામભાઈ મોકરિયા અને જ્યોતિ CNC ના માલિક પરાક્રમસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Continues below advertisement
Continues below advertisement

જૈન સમાજમાં પણ ભારે રોષ

ટિકિટોની વહેંચણીને લઈને માત્ર નેતાઓ જ નહીં, પરંતુ જૈન વાણિયા સમાજમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં જૈન વાણિયા સમાજના પોણા 2 લાખ જેટલા માતબર મતદારો હોવા છતાં, કુલ 72 ઉમેદવારોમાંથી પાર્ટીએ માત્ર એક જ ઉમેદવાર (ધૈર્ય પારેખ) ને ટિકિટ આપી છે, જે સમાજમાં ચર્ચાનો અને નારાજગીનો મુખ્ય વિષય બન્યો છે.

કાર્યકર્તાઓનો આરોપ: "પાર્ટીએ માત્ર સગાઓને જ ટિકિટ આપી"

રાજકોટ વિધાનસભા-70 વિસ્તારમાં પણ ભાજપના કાર્યકરોનો ગુસ્સો સાતમા આસમાને છે. વોર્ડ-13 ના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નયના ગોહિલ અને વોર્ડ-17 ના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ સહિતના નારાજ કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ રૂબરૂ જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. કાર્યકર્તાઓનો સીધો આરોપ છે કે પાર્ટીએ પહેલા તેમને ટિકિટની ખાતરી આપી હતી અને છેલ્લી ઘડીએ વફાદાર લોકોને બાજુ પર મૂકીને માત્ર પોતાના સગા-સંબંધીઓને જ ટિકિટો પધરાવી દીધી છે.

કોંગ્રેસનો કટાક્ષ: "ભાજપ હવે માત્ર ડેમેજ કંટ્રોલમાં જ વ્યસ્ત"

ભાજપના આ આંતરિક ડખા અને જૂથવાદનો ફાયદો ઉઠાવતા કોંગ્રેસે પણ આકરા પ્રહારો કર્યા છે. શહેર કોંગ્રેસના આગેવાન રાજદીપસિંહ જાડેજાએ કટાક્ષ કરતા કહ્યું છે કે, "પહેલા 5 વર્ષ સુધી માત્ર ભ્રષ્ટાચારમાં વ્યસ્ત રહેલો ભાજપ હવે ટિકિટો વહેંચ્યા બાદ ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત થઈ ગયો છે. ભાજપના નગરસેવકો અત્યાર સુધી માત્ર સત્તા ભોગવવામાં જ મસ્ત હતા. પરંતુ હવે રાજકોટની જનતા તેમના આ 5 વર્ષના ભ્રષ્ટાચારી શાસનને બરાબર ઓળખી ગઈ છે. હવે ભાજપના બિસ્તરા-પોટલા બંધાવાનો સમય પાકી ગયો છે."