Rajkot Covid-19 Update: દેશની સાથે ગુજરાતમાં પણ છેલ્લા થોડા દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ધીમા પગલે કોરોના પ્રસરી રહયો છે  પરંતુ  લોકો હજુ બેફિકર છે.  રાજકોટ અને જામનગરમાં કોરોનાએ માથું ઉંચકયા બાદ હવે અન્ય શહેરોમાં પણ ફેલાઈ રહ્યો છે. રાજકોટમાં આજે ત્રણ વર્ષની એક બાળકી સહિત દસ વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સૌરાષ્ટ્રનાં ચાર જિલ્લામાં મળીને આજે 24 કેસ નોંધાયા છે.


રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં શિક્ષણ વિભાગ સક્રિય થયું છે. કોરોનાના કેસ વધતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને આવવા સૂચન કરાયું છે. વાલીઓ પણ જાગૃત થાય તે માટે સૂચન કરાયું છે. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે નિણર્ય લેવામાં આવ્યો છે.


રાજકોટમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજકોટમાં કોરોનાએ ફરી એક વાર ઉથલો માર્યો છે ત્રણેક દિવસ પહેલા 12 કેસ નોંધાયા બાદ આજે એક સાથે વધુ દસ કેસ બહાર આવ્યા છે. રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર એક ત્રણ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રાજકોટમાં મનહર પ્લોટ, કેવડાવાડી, લક્ષ્મીવાડી, નાંલદા સોસાયટી, ગાંધીગ્રામ સહિતનાં એરીયામાં નવા કેસ નોંધાયા છે. સાધુ વાસવાણી રોડ પર બે કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ કેસનો આંકડો 63784 સુધી પહોંચ્યો છે. આજે પાંચ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છતાં હાલ 37  દર્દીઓ સારવાર લઈ રહયા છે.


જામનગરમાં પણ વધ્યા કેસ


જામનગરમાં આજે વધુ 3  કેસ નોંધાયા છે. ખોડિયાર કોલોનીમાં 19 વર્ષનાં એક પુરુષ અને મોટી ખાવડીમાં વધુ એક કેસ સામે આવ્યો છે. પટેલ કોલોનીમાં એક  યુવતીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. જામનગરમાં કેસ સતત વધી રહયા હોવાથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે પરંતુ લોકો હજુ બેદરકાર હોવાનું સામે આવી રહયુ છે. અમદવાદની ટ્રાવેલ હિસ્ટ્રી એક કેસમાં બહાર આવી છે. જામનગર ગ્રામ્યમાં એક, સુરેન્દ્રનગરમાં ચાર અને ભાવનગર શહેરમાં પાંચ અને ગ્રામ્યમાં એક મળી જિલ્લામાં છ કેસ નોંધાયા છે.