રાજકોટઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ફરીથી સરકાર હરકતમાં આવી છે અને કોરોનાના કેસો અટકાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેને પગલે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને માસ્ક પહેરે તે માટે પણ સતર્કતા રાખી રહી છે. ત્યારે રાજકોટમાં પોલીસ દ્વારા લોકોને માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે.


શહેરના ત્રિકોણબાગ પાસે એક બૂલેટ ચાલકને તેમની પત્નીએ માસ્ક ન પહેર્યું હોવાથી અટકાવ્યા હતા. યુવતીએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે દંડ ભરવાનું જણાવ્યું હતું. જોકે, માસ્ક ન પહેર્યું હોવા છતાં યુવતી પોલીસ સાથે જીભાજોડી કરી રહી હતી. પતિએ ના પાડવા છતા તેણે માથાકૂટ ચાલું રાખતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસની હાજરીમાં ફડાકો મારી દીધો હતો. ત્રિકોણબાગ પાસે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.