Rajkot Dengue: ગુજરાતમાં ફરી એકવાર વરસાદે વિરામ લેતાં જ રોગાચાળો વકર્યો છે, રાજ્યના કેટલાય શહેરોમાં રોગચાળાએ દેખા દીધી છે. હાલમાં સામે આવેલા રિપોર્ટ અનુસાર, રાજકોટમાં ફરી એકવાર ઘરે ઘરે વાયરલ તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યૂના કેસ જોવા મળ્યા છે. ખાસ વાત છે કે, વરસાદી વિરામની વચ્ચે શહેરમાં વાદળીયું વાતાવરણ છવાયુ છે, આ કારણે ડબલ ઋતુ થવાથી રોગચાળાની શરૂઆત થઇ છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય કેન્દ્રમાં જ નહીં પરંતુ ખાનગી સારવાર લઇ રહેલા શરદી, તાવ અને ડેન્ગ્યૂના દર્દીઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. 


રાજકોટ મનપા આરોગ્ય કેન્દ્રોમાં 353 દર્દીઓ શરદી ઉધરસના, 47 તાવ અને 184 ઝાડા ઉલ્ટીના દર્દીઓ નોંધાયા છે, આ ઉપરાંત ડેન્ગ્યૂના 2 નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પંદર દિવસમાં આ દર્દીઓની સંખ્યા ડબલ થઇ ગઇ છે. કહેવાઇ રહ્યું કે, શહેરમાં વકરેલા આ રોગચાળા માટે વાસી અને અખાદ્ય ખોરાક જવાબદાર છે. 


વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો - 


રાજકોટમાં વરસાદ સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. સતત વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે.  ડેન્ગ્યુના 2, મેલેરિયા ના 1 કેસ સાથે તાવ શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટીના 459 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે શહેરના એક લાખથી વધુ ઘરમાં મચ્છરના પોરાનાશક કામગીરી કરી છે. રોગચાળો વધી જવાને કારણે હોસ્પિટલોમાં દૈનિક ઓપીડી ડબલ થઇ ગઇ છે. ભેજ અને મચ્છર ઉત્પતિ સમાન વિસ્તારોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્તમાન સ્થિતિમાં રોગચાળાથી બચવા લોકો ઉકાળેલું પાણી પીવે તેવી આરોગ્ય વિભાગે અપીલ કરી છે. રાજકોટમાં ગત સપ્તાહ જેટલા મનપા દ્વારા રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જોકે સવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી છે. સરકારી આંકડા કરતા અનેક ગણો વધારે રોગચાળો જોવા મળ્યો છે. હાલમાં જ પડેલા વરસાદને કારણે રાજકોટ-ભાવનગર હાઈવે પરના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. અનરાધાર વરસાદના કારણે પાડાસણ અને ઉમરાળી ગામ પાણીમાં અડધા ડૂબી ગયા હતા. ગામની શેરીમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાતા લોકો જીવ બચાવવા પહેલા માળે જતા રહ્યા હતા. ખારચિયા ગામની બજારોમાં ત્રણથી પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા.


જસદણ પંથકમાં વરસાદના કારણે જસાપર ગામમાં ભાદર નદીના પાણી ઘૂસ્યા હતા. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આટકોટ,વીરનગર,જસાપર,નવાગામ અને જીવાપર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  જીવાપર પાસેનો કણૂકી ડેમ ઓરફ્લો થયો છે.  રસ્તા પર નદીની જેમ પાણી વહેતી થતા એક ઈકો કાર પાણીમાં તણાઈ ગઈ હતી. ત્રાંબાથી વડાલી તરફના રસ્તા પર નદીના પાણી વહેતા અંદાજે 3 કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો.