રાજકોટ: રાજ્ય સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ જિલ્લો હાઈએલર્ટ પર છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 9 ડેમ છલોછલ ભરાયા છે. જ્યારે 15 ડેમ ઓવરફ્લો થઇ ચુક્યા છે. રાજકોટ જિલ્લાના 4 ડેમ 90 ટકા સુધી અને 6 ડેમ 70 ટકાથી વધુ ભરેલા છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી.


રાજકોટ જિલ્લાને હાઈએલર્ટ પર રખાતા પ્રાંત અધિકારી , મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. SDRFની ટીમને રાજકોટમાં તૈનાત કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાનો સુરવો ડેમ ઓવરફલો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા જેતપુર ચારણ સમઢીયાળા ગામ પાસે આવેલા સુરવો ડેમનો 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના કારણે થાણાગાલોલ, ખજૂરી ગુંદાળા, ખીરસરા, ચરણ સમઢીયાળા, ચારણીયા સહિતના પ્રભાવિત ગામોને એલર્ટ કરાયા છે. પ્રસાશને નદીના પટ પાસે નહીં જવાની સૂચના આપી છે.