રાજકોટઃ ગઈ કાલે રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના બની હતી. હવે આ કેસમાં વધુ એક કરુણાંતિકા સર્જાઇ છે. પત્ની અનને મામાજીની હત્યા પછી બંને બાળકો સાથે અગ્નિસ્નાન કરનાર યુવક અને તેના બંને પુત્રોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા છે.

શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં ગઈ કાલે જાહેરમાં ઈમરાન પઠાણે પત્ની નાઝીયા, તેના મામાજી નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં નાઝીયા અને તેના મામાજી નઝીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફિરોજાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.



આરોપી પતિ ઈમરાન પઠાણે પત્ની અને તેના મામાની હત્યા કર્યા બાદ બે બાળકો સાથે અગ્નિસ્નાન કર્યું હતું. અગ્નિસ્નાન કરતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં સારવાર દરમિયાન ઈમરાન અને તેના પુત્ર-પુત્રીના મોત થયા છે. ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે પત્ની અને તેના મામાજીની હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

ઈમરાન અને પત્ની નાઝીયા વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો. જેથી બંનેએ છૂટાછેટા લેવાનો નિર્ણય લીધો હતો. જેનો કેસ કોર્ટમાં ચાલતો હતો. પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે તે મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઈમરાનની પત્નીએ 181 અભયમને બોલાવી હતી. આ વાતને લઈ ખુની ખેલ ખેલાયો હતો અને પત્ની અને મામાજીની ઇમરાને હત્યા કરી નાંખી હતી. જોકે, હવે હત્યારાએ પણ સારવાર દરમિયાન દમ તોડતા કરુણાંતિકા સર્જાઇ છે. હત્યારા ઈમરાન પઠાણના સાસુ ફિરોજાબેન મુરમદભાઈ ફરિયાદી બન્યા છે.



પોલીસ દ્વારા ફિરોજાબેનની પૂછપરછ કરાઇ રહી છે. નાઝિયા પઠાણે 181 ટીમને ફોન કર્યો હતો એટલે ટીમ દોડી આવી હતી. બાદમાં નાઝીયા, તેના મામા નઝીર અને માતા ફિરોજાબેનને મહિલા પોલીસ સ્ટેશન બોલાવાયા હતા. મહિલા પોલીસ સ્ટેશનથી બધા નીકળ્યા ત્યારે પાછળથી ઈમરાને છરી વડે હુમલો કરી દીધો હતો અને આ ખુની ખેલ ખેલાયો હતો.